- ભરૂચની સિટી બસ સેવાનું ઇ-લોકાર્પણ
- ગાંધીનગરથી મુખ્યપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ
- ટ્રાફિક, પાર્કિંગ, પ્રદૂષણની સમસ્યા હળવી થશે તેવી આશા
ભરૂચ : શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ સિટી બસ સેવાનો ઇ-લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીનગરથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ભરૂચ સિટી બસ સેવાનું ઇ-લોકાર્પણ કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચની વિકાસ ગાથાને યાદ કરી હતી.
આ પણ વાંચો : AMTS BRTSને કરોડોનું નુકસાન, શહેરીજનો કાગડોળે જોઇ રહ્યાં છે બસ શરુ થવાની રાહ
ભરૂચમાં 12 રૂટ પર સીટી બસ સેવા શરૂ થશે
ભરૂચ શહેરના વિવિધ રૂટ ઉપર 12 જેટલી સિટી બસ દોડવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં શહેરની જનતાને સસ્તી, સારી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. આ બસ સેવાથી શહેરની ટ્રાફિક, પાર્કિંગ અને પ્રદૂષણની સમસ્યા હળવી થશે તેમ જણાવી રાજ્યના મુખ્યપ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : સુરતના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં 300 સિટી બસ અને BRTS સેવા બંધ
સિટી બસ સેવાનો લાભ લેવા શહેરીજનોને તંત્રની અપીલ
વિશ્વ પર્યાવરણ દિવસ ભરૂચમાં સિટી બસ પરિવહન સેવા શરૂ થઈ છે, ત્યારે ઇ-લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ સિટી બસ સેવાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. ભરૂચમાં સિટી બસ સેવાનો પ્રારંભ થયો છે, ત્યારે આ સેવા અવિરતપણે ચાલતી રહે તે આવશ્યક છે. જેથી વધુમાં વધુ શહેરીજનોને સિટી બસનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.