- રાજપરડીમાં ભાજપ કાર્યકર સાથે થયેલી મારમારીની ઘટનામાં ખોટી ફરિયાદનો BTSનો આક્ષેપ
- રાજકીય દબાણને વશ થઈ પોલીસે કાર્યવાહી કરી હોવાની કલેક્ટરને રજૂઆત
- સોશિયલ મીડિયા પર ટિપ્પણીના કારણે બની ઘટના
ભરૂચ: ઝઘડિયા તાલુકાના રાજપરડી ગામે સોશિયલ મીડિયા પર BTSના ઉપાધ્યક્ષ અને આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણીઓ બાદ ભાજપના રાજ્ય યુવક બોર્ડના સભ્ય હિરલ પટેલ પર થયેલા હુમલામાં ત્રણ શખ્સો વિરૂદ્ધ નામજોગ અને અન્ય છ શખ્સો વિરુદ્ધ રાજપરડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. રાજ્ય યુવક બોર્ડના સભ્ય હિરલ પટેલે કરેલી ફરિયાદમાં BTP અને BTSના હોદ્દેદારો અને આગેવાનોની ખોટી સંડોવણી કરી હોવાના અને રાજપારડી પોલીસે રાજકીય દબાણને વશ થઈ ખોટી રીતે BTP અને BTSના હોદ્દેદારોના નામો ફરિયાદમાં દાખલ કર્યા છે, તેવા આક્ષેપ સાથે ભીલીસ્થાન ટાઇગર સેનાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખોટી રીતે ફરિયાદમાં સંડોવણી કરેલ હોદ્દેદારોના નામ રદ કરવાની માંગણી કરી હતી.
પોલીસે રાજકીય દબાણને વશ થઈ કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, 23.1.21ના રોજ રાજપરડી પોલીસ સ્ટેશનમાં રાજકીય દબાણને વશ થઈને ખોટી રીતે ઝઘડિયા તાલુકા BTPના પ્રમુખ કલ્પેશ કાલિદાસ વસાવા BTSના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇમ્તિયાઝ અલી સૈયદ અને જૂનાપોરા ગામના સરપંચ અક્ષય વસાવાના ખોટા નામો FIRમાં દાખલ કર્યા છે. જેને ભરૂચ જિલ્લા ભિલીસ્થાન ટાઈગર સેના સ્પષ્ટ શબ્દોમાં વખોડે છે. વધુમાં જણાવ્યું હતું કે, આ હોદ્દેદારો રાજકીય રીતે સંકળાયેલા છે અને સમાજના હિંદુ-મુસ્લિમ આદિવાસી ગરીબ લોકોને સહાય કરે છે. જેથી આવા વ્યક્તિને મારામારીના કેસમાં સંડોવણી કરવા કેટલાક રાજકારણીઓએ પેંતરા રચીને ખોટી રીતે FIRમાં નામ ચઢાવ્યા છે. જેની સામે ટાઈગર સેના સમગ્ર બાબતનો વિરોધ કરે છે અને આ બાબતમાં ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ થાય તેવી માંગણી કરીને ખોટા નામોની સંડોવણી કરી છે તેને રદ કરવા માટેની માંગણી કરી છે. આવી ઘટનાઓમાં ખોટી અરાજકતા ઉભી થાય અને વાતાવરણ ડહોળાય તેના કરતાં ન્યાયિક તપાસ થવી જોઇએ. આ ઘટનામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ભિલીસ્થાન ટાઈગર સેના તરફથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું.