- ભરૂચમાં ભાજપનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારોહ
- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત
- કાર્યક્રમ પૂર્વે રોડ શો યોજાયોસી.આર.પાટીલના કોંગ્રેસ, BTP-AIMIM પર પ્રહાર
ભરૂચ: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે ભાજપનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યાં બાદ સી.આર. પાટીલ ગઈકાલે શનિવારના રોજ પ્રથમ વખત ભરૂચ ખાતે આવ્યાં હતાં. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તેમણે જાહેરસભાને સંબોધિત કરી હતી. ભરૂચમાં 28 તારીખના રોજ 4 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત માટે મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે ભાજપે તેમના પ્રદેશ અધ્યક્ષને મેદાનમાં ઉતારીને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
ભાજપે લઘુમતી સમાજમાંથી 31 લોકોને આપી ટિકિટ
ભરૂચ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપને અપક્ષો ટક્કર આપી રહ્યાં હોવાથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. આ ઉપરાંત BTP અને AIMIMનું ગઠબંધન પણ ભાજપના સમીકરણો બગાડી શકે તેમ છે. ભાજપે સમીકરણો બગડતા રોકવા માટે લઘુમતી સમાજમાંથી 31 લોકોને ટિકિટ આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ઝાડેશ્વર સાંઇ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
BTPના વળતા પાણી AIMIM વિલા મોઢે પાછી ફરશે: સી.આર.પાટીલ
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરસભા સંબોધતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં BTP અને AIMIMએ ભલે ગઠબંધન કર્યું હોય, પરંતુ BTPના હવે વળતા પાણી છે. અસરુદ્દીન ઓવૈસી વિલા મોઢે પાછા ફરશે. આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન BTPની એક પણ સીટ હવે આવશે નહીં.
ભાજપના કાર્યક્રમ પૂર્વે રોડ શોનું આયોજન
ભરૂચમાં ભાજપના કાર્યક્રમ પૂર્વે રોડ શોનું આયોજન કરવામાંઆ આવ્યું હતું. જોકે, સી.આર.પાટીલ નિયત સમય કરતા લગભગ 2 કલાક મોડા પહોંચ્યા હતા. ત્યારે સભામાં સી.આર.પાટીલનું સંબોધન શરૂ થયુ એ જ સમયે ચાલુ સભામાંથી કેટલાક લોકોએ ચાલતી પકડી હતી. પોણા ભાગનું મેદાન ખાલી થઈ ગયું હતું.
તમામ 6 મહાનગરપાલિકા ભાજપ જીતશે: સી.આર.પાટીલ
ભરૂચમાં સી.આર.પાટીલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, તમામ 6 મહાનગરપાલિકા ભાજપ જીતશે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાશે.