- બસ ચાલક અને 5 પ્રવાસીઓને સામાન્ય ઇજા
- અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતી
- સ્થાનિકોની ઓવરબ્રિજ બનાવવાની માગ
અંકલેશ્વર: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે મંગળવારે સવારના સમયે STબસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવસારીથી 40 જેટલા પ્રવાસીઓ બેસાડી ST બસનો ચાલક યાત્રાધામ અંબાજી જઈ રહ્યો હતો. બસ અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી એ દરમ્યાન કન્ટેનર સાથે અકસ્માત સર્જાતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં બસમાં સવાર 5 પ્રવાસીઓ અને ચાલકને ઇજા પહોચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતી જોવા મળી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.
અંકલેશ્વરની ખરોડ ચોકડી અકસ્માત ઝોન બની રહી છે. આ સ્થળે વારંવાર અકસ્માતો થાય છે, ત્યારે ઓવરબ્રિજ બનાવવાની માગ સ્થાનિકો વર્ષોથી કરી રહ્યા છે. રાજ્ય સભાના મર્હૂમ સાંસદ અહેમદ પટેલની રજૂઆતના આધારે ખરોડ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે હવે કામગીરી ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું.