- હાંસોટ તાલુકાના ઇલાવ ગામે 10 બેડનું આઇસોલેશન સેન્ટર બનાવાયું
- સરકારી શાળામાં 10 બેડનું આઇસોલેશન સેન્ટર
- રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત
ભરૂચઃ ગુજરાતમાં શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યુ છે. ત્યારે ગ્રામજનોને ગામમાં જ સારવાર મળે એ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના છેવાડાના ઇલાવ ગામે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
![ભરૂચના ઇલાવ ગામે 10 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-isolationcenter-photo-gj10045_09052021122334_0905f_1620543214_848.jpg)
આઇસોલેશન સેન્ટરમાં હાલમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દી સારવાર લઈ શકશે
ઇલાવના મુખ્ય બજારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં 10 બેડનું આઇશોલેશન સેન્ટર તૈયાર કરાયું છે. જે દર્દીને કોરોનાના પ્રાથમિક લક્ષણો હોય અને ઘરમાં આઇસોલેટ થવાની સુવિધા ન હોય એવા દર્દીઓને અહીં રાખવામાં આવશે અને ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેઓની સારવાર કરશે. આ આઇસોલેશન સેન્ટરમાં હાલમાં 5 મહિલા અને 5 પુરુષ દર્દી સારવાર લઈ શકશે. અહીં સારવાર લેનારા દર્દીને ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી જમવાનું પણ આપવામાં આવશે.
![ભરૂચના ઇલાવ ગામે 10 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-isolationcenter-photo-gj10045_09052021122334_0905f_1620543214_376.jpg)
આ પણ વાંચો- ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 18ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત
ઇશ્વરસિંહ પટેલે ગ્રામજનો દ્વારા લેવાયેલા પગલાની કરી સરાહના
ઇલાવ ગામે નિર્માણ પામેલા આઇસોલેશન સેન્ટરની રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઇલાવ ગામ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલા આ પગલાની સરાહના કરી હતી અને અન્ય ગામો પણ ઇલાવ ગામ જેવો અભિગમ કેળવે એવી અપીલ કરી હતી.
ગામમાં ચેકપોસ્ટનું થયું હતું નિર્માણ, લોકડાઉનનો પણ અમલ
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળની શરૂઆતથી જ ઇલાવ ગામ અગ્રેસર રહ્યું છે. કોરોનાની પ્રથમ લહેરમાં ઇલાવ ગામે રાજ્યમાં સૌ પ્રથમવાર ખાનગી ચેકપોસ્ટ બનાવી હતી અને ચેકપોસ્ટ પર ચેકીંગ કર્યા બાદ જ બહારના લોકોને ગામમાં પ્રવેશ અપાતો હતો. ગામમાં હાલ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખ્યા બાદ લોકડાઉન આપવામાં આવ્યું છે. તો સાથે સમગ્ર ગામમાં સેનેટાઇઝરનો છટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.