ભરૂચ: જિલ્લામાંથી 1,280 પરપ્રાંતિઓને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી આ તમામ મજૂરોને મોકલવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને સાંસદ મનખુસ વસાવેએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
લોકડાઉન પાર્ટ-3માં સરકારે પરપ્રાંતિઓને પોતાના વતન જવાની મંજૂરી આપી છે. જેથી ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસવાટ કરતા પરપ્રાંતિઓએ પોતાના વતન જવા માટે અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખી તમામ પરપ્રાંતિઓની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ખાસ ટ્રેન મારફતે તમામ પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
આ તમામ પરપ્રાંતિઓનું અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે તમામ લોકોને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.