ભરૂચ : જિલ્લામાં કોરોનાનો કોહરામ યથાવત રહ્યો છે, ત્યારે આજે મંગળવારે વધુ નવા 11 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 161 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છેે. આજે વધુ 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભરૂચ શહેરમાંમાં 9 કેસ જ્યારે જંબુસરમાં વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ કોરોના હોટસ્પોટ જંબુસરમાં પોઝિટિવ કેસની સંખ્યા 58 પર પહોંચી છે.
ભરૂચ શહેરના કેસની વાત કરીએ તો ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં શાકભાજી વેચતા અને આલી કાછીયાવાડમાં રહેતા જીતેન્દ્ર ધનસુખ પટેલને પણ કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી છે. તંત્ર દ્વારા શક્તિનાથ શાક માર્કેટ બંધ કરાવવા વિચારણા ચાલી રહી છે.
આ તરફ ભરૂચનાં મકતમપુર વિસ્તારમાં રહેતા ટેલર પરિવારના પાંચ સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, તો ભોલાવ વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુ સોસાયટીમાં 1,જી.એન.એફ.સી.નજીક આવેક પુષ્પક સોસાયટીમાં 1 અને ઝાડેશ્વર ગામમાં સત્યનારાયણ મંદિર પાસે રહેતા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.
તમામ દર્દીઓને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 161 પર પહોંચી છે જે પૈકી 6 દર્દીના મોત નીપજ્યા છે.