બનાસકાંઠા: જિલ્લાના ડીસામાં એક યુવકે પાર્લરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![suicide in Banaskantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7672175_banaskatha.jpg)
જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક કારણોસર હત્યા અને આત્મહત્યાના બનાવો બની રહ્યાં છે. ક્યાક લોકો પૈસાની લેવડ-દેવડમાં હત્યા કરી રહ્યાં છે, તો ક્યાંક લોકો અગમ્ય કારણોસર દેવું થઈ જતા આત્મહત્યા કરી રહ્યાં છે. જેથી બનાસકાંઠા જિલ્લો લોહીયાળ સાબિત થઈ રહ્યો છે.
લોકડાઉન દરમિયાન આર્થિક અને માનસિક તંગીના કારણે આત્મહત્યાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. જે દરમિયાન બુધવારની રાત્રે જિલ્લાનાં ડીસા શહેરમાં પણ એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સિંધી કોલોની વિસ્તારમાં રહેતા જયેશ ઉર્ફે જીતુ સિંધી નામના 25 વર્ષીય યુવક પોસ્ટ ઓફિસ પાસે આવેલા પોતાના બનેવીના પાર્લરમાં કામ કરતો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર આ યુવકે ત્યા પાર્લરમાં મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. જો કે વહેલી સવારે આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો આવી પહોંચ્યા હતા.
પોલીસને બનાવની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.