- બનાસકાંઠાના પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં મુકાઈ સાયરન સિસ્ટમ
- સંરક્ષણ ગૃહમાં બાળકોને લોકો પારણાંમા મૂકી જાય છે
- પારણાંમાં જેવું બાળક મુકવામાં આવશે એટલે સાયરન વાગી જશે
- બાળ સંરક્ષણ ગૃહમાં મૂકાયેલી સાયરન માત્ર ઓફિસમાં જ સંભળાશેબનાસકાંઠામાં પાલનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં કેમ મુકાઈ સાયરન સિસ્ટમ? જુઓ...
બનાસકાંઠાઃ બાળ સંરક્ષણ ગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત પારણાં કેન્દ્રમાં સાયરન સિસ્ટમ ગોઠવી અનોખી વ્યવસ્થા ઊભી કરી છે. પરિવાર વિનાના બાળકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે બાળ સંરક્ષણ ગૃહ ઊભા કરાયા છે, જેમાં 18 વર્ષ સુધીના બાળકોના રક્ષણ અને જતનની જવાબદારી સરકાર ઊઠાવે છે. કેટલીક વખત પરિસ્થિતિનો બનેલી માતાઓ પોતાના જન્મજાત બાળકોને અવાવરું જંગલ કે રસ્તા પર છોડી દેતી હોય છે. ત્યારે સરકારે આવા બાળકોનું રક્ષણ અને જતન થાય તે હેતુથી દરેક બાળ સંરક્ષણ ગૃહમાં અનામી પારણું બનાવ્યું છે. આથી આવી માતાએ બાળકને રસ્તા પર છોડવાની જગ્યાએ આ પારણામાં મૂકી જાય છે. જેની દેખરેખ બાળ સંરક્ષણ ગૃહમાં આવેલી સ્પેશિયલ એડોપ્શન એજન્સી દ્વારા રાખવામાં આવે છે.
બાળ સંરક્ષણ ગૃહમાં સાયરન સિસ્ટમ લગાવનાર પાલનપુર પહેલું
જોકે, બનાસકાંઠા બાળ સંરક્ષણગૃહે રાજ્યમાં સૌપ્રથમ વખત હવે આ અનામી પારણાંમાં સાયરન સિસ્ટમ ગોઠવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સાયરનની વિશેષતા એ છે કે, તેનું સાયરન અંદર ઓફિસમાં જ સંભળાતું હોવાથી બાળક મૂકવા આવનારી વ્યક્તિ ભય વિના બાળકને મૂકી જાય છે. તેમ જ સાયરન વાગતાં જ તાત્કાલિક કર્મચારી આવા બાળકનો કબજો લઈ તેની યોગ્ય માવજત કરે છે.
દર વર્ષે 25થી વધુ બાળકો આવે છે આ અનામી પારણાંમાં
નિરાધાર બાળકને પણ તંદુરસ્ત જીવન અને વિકાસનો સંપૂર્ણ અધિકાર છે, જેને ધ્યાને લઈ આ પ્રકારની ખાસ સુવિધા બાળ સંરક્ષણગૃહમાં ઉભી કરાઈ છે. દર વર્ષે આ અનામી પારણાંમાં 25 જેટલા બાળકો આવતાં હોય છે. આ બાળકોની યોગ્ય માવજત, સંપૂર્ણ પોષણયુક્ત આહાર, રમતગમત સહિત બધી જ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. નિરાધાર બાળકોના પુનઃસ્થાપન માટે પણ કરાય છે. અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આવા બાળકોને ફરીથી માતાપિતાની હૂંફ મળી રહે તે માટે તેમના માતાપિતાને શોધી તેઓને બાળક સોંપાય છે. તેમ જ જે બાળકોના માતાપિતા નથી મળતાં તેવા બાળકોને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયા દ્વારા દત્તક લેવાની અલાયદી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.