બનાસકાંઠા : વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટી સાથે અભદ્ર મેસેજ અને ખોટી માગણી કર્યાના આક્ષેપ સાથે મહિલાએ વડગામ પોલીસ મથકે ટીડીઓ એ.એચ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે, ફરિયાદ થયાના 10 દિવસ બાદ પણ ટીડીઓની ધરપકડ ન થતાં પીડિતાએ મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈને રજુઆત કરી હતી. જો કે,લૉકડાઉન હોવાના કારણે ડૉ.રાજુલબેને પીડિતા સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી સમગ્ર ઘટનાને જાણી હતી.
ઘટના ગંભીર હોવાથી ડૉ.રાજુલબેને તત્કાલ જિલ્લા કલેકટરને જાણ કરી ભોગ બનનાર મહિલાને ન્યાય અપાવવાની વાત કરી હતી. સાથે પોલીસને પણ ટીડીઓની જલ્દી ધરપકડ કરી અન્ય તલાટી મહિલાઓ ભોગ બની છે કે કેમ, તલાટી મહિલા સાથે દુવ્યવહાર કરેલ છે કે કેમ, તે બાબતે કડક તપાસ કરવા જણાવ્યું હતું. આ બાબતે ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, પીડિત મહિલા સાથે આજે વાત કરી છે અને પીડિતા સાચી છે. તેને ન્યાય મળવો જોઈએ તે માટે કલેકટર અને એસ.પી સાથે વાત કરી છે. પંચાયત મંત્રી સાથે વાત કરી ટીડીઓને કડક સજા મળે તેવી રજૂઆત કરીશું .
જો કે, વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ટીડીઓની ધરપકડ માટે સરકાર સમક્ષ માગણી કરાઈ છે. એ મંજૂરી મળ્યા બાદ ધરપકડ થયા તેવી શક્યતાઓ છે. અને જો પોલીસ તટસ્થ તપાસ કરે તો આવી અનેક મહિલા કર્મચારીઓ આ લંપટ ટીડીઓનો ભોગ બન્યો હોવાનું બહાર આવી શકે તેમ છે.