ડીસા : બનાસકાંઠામાં ગઈકાલે રાત્રે પણ ડીસામાં ભારે વાવાઝોડા સાથે બરફના કરાનો વરસાદ થયો હતો. અનેક જગ્યાએ લોકોને પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ડીસાના આસેડા ગામે પણ ભારે વાવાઝોડાના કારણે વેરસિંહ પ્રજાપતિના અને અન્ય બે ઘરના પતરા ઉડી ગયા છે. જાનહાનિ ટળી હતી પરંતુ મકાન માલિકને બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.તો બટાટા, રાજગરો અને રાયડાના પાકમાં વરસાદથી નુકસાન થયું છે.
પાકમાં નુકસાન આસેડા ગામમાં ખેતરોમાં ઘઉં, રાજગરો અને બટાટા પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. ઘઉં અને રાજગરાનો તૈયાર પાક વરસાદના કારણે પડી ગયો છે. ખેડૂતોએ બે મહિનાથી મજૂરી કરી તૈયાર કરેલો પાક જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂતોએ માગણી કરી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે.
રાજગરામાં નુકશાન બનાસકાંઠા જિલ્લાના અને તાલુકાઓમાં ગત મોડી રાત્રે કરા સાથે વરસાદ થયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વરનોડા ગામે પણ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા રાજગરાના પાકમાં મોટું નુકસાન થયું છે. 6 માર્ચે ભારે પવન સાથેે વરસાદ અને કરા પડ્યાં તેમાં રાજગરાનો તૈયાર થયેલો ખેતરમાં પડેલો પાક પલળી ગયો છે. જેથી રાજગરાની ગુણવત્તાને આવી ગયો છે. આ વર્ષે મોટા પ્રમાણમાં રાજગરાનું વાવેતર કરાયું હતું કારણ કે અન્ય રાજ્યોમાં તેની માગમાં વધારો થયો છે. પણ કમોસમી વરસાદે નુકસાન કર્યું છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે.વરનોડા ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર તાત્કાલિક વરનોડા ગામે રાજગરાના પાકમાં થયેલ નુકસાનનું સર્વે કરી તાત્કાલિક સહાય જાહેર કરે.
રાયડામાં નુકશાન આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ રાયડાનું વાવેતર થયું હતું પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જે પોતાના ખેતરમાં રાયડાનો પાક તૈયાર કર્યો હતો જેમાં મોટો ખર્ચો કરી સારા ભાવની આશાએ રાયડાનું વાવેતર કર્યું હતું તે તમામ આશા પર ગત મોડી રાત્રે પડેલા વરસાદ અને કરાએ પાણી ફેરવી દીધું હતું. જે પ્રમાણે વરસાદ અને કરા રાયડાના પાક પર પડ્યા તેના કારણે હાલ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન રાયડાના વાવેતરમાં ભોગવવાનો વારો આવે છે. સતત કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી રાયડાનું વાવેતર કરતા ખેડૂતોની માંગ છે.
આ પણ વાંચો Unseasonal Rain: કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો વિલન, હવે સરકાર પાસે આશા
બટાટામાં નુકશાન ડીસાને વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે જેના કારણે આ વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ વાવેતર બટાટાનું થયું હતું. એક તરફ ખેડૂતોને બટાટામાં ભાવ મળી રહ્યા નથી તેના કારણે ખેડૂતો પોતાના તૈયાર થયેલા બટાટાનો માલ પોતાના ખેતરમાં એકત્રિત કરીને રાખેલો છે. તો બીજી તરફ ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનું વારો આવ્યો છે. ડીસા તાલુકામાં જે પ્રમાણે ખેડૂતોના ખેતરોમાં ભાવના મળતા બટાટા પડ્યા હતા તે બટાટા પર વરસાદ અને કરા પડતા હાલ ખેડૂતોને મોટું નુકસાન વેચવાનો વારો આવે છે. એક તરફ બજારમાં બટાકામાં ભાવ નથી તો બીજી તરફ સતત મોસમી વરસાદના કારણે ખેડૂતો નુકસાની વેઠવી રહ્યા છે. ડીસા તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો બટાટામાં નુકસાન ભોગવી છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ફરી આ વર્ષે ખેડૂતો બટાટામાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બટાટાનું વાવેતર કરતા ખેડૂતોએ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી અને બટાટામાં નુકસાન થયેલ ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.