બનાસકાંઠા: સંપૂર્ણ ખેતી આધારિત જિલ્લામાં બનાસકાંઠાનો સમાવેશ થાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે હાલમાં સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
કોરોના વાઈરસના કારણે આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન ખેડૂતોનો પાક બગડે નહીં. એ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માર્કેટયાર્ડમાં પહોંચાડવા માટેની સગવડો આપવામાં આવી છે.
કુદરત જાણે ખેડૂતોની પરીક્ષા લઈ રહ્યો હોય, એમ બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અગાઉ કરા સાથે કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારના ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં સોમવાર મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
આ વરસાદ ભારે પવન અને કરા સાથે પડયો હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં બાજરી, મગફળી, સક્કરટેટી અને તરબૂચના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટું નુકસાન વેઠી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.