- બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો
- દિયોદરમાં રોજના 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ
- દિયોદરના ડોક્ટરો બન્યા અન્ય ડોક્ટરો માટે ઉત્તમ ઉદાહરણ
બનાસકાંઠાઃ હાલ સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં પીલાઈ રહ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શહેરો બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, તેવામાં સૌથી વધુ નુકસાન ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું થઈ રહ્યું છે. કારણ કે, એક તરફ લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે અને બીજી તરફ કોરોનામાં સપડાતા હોસ્પિટલમાં સારવારમાં થતા ખર્ચથી લોકોની હાલત કફોડી બની ગઈ છે.
આ પણ વાંચોઃ કોરોના સામેની લડતમાં 'સર્વોચ્ચ' પહેલ
નાયબ કલેક્ટર અને તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં લેબોરેટરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી
ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક રીતે ઓછું નુકસાન થાય તે માટે દિયોદર લેબોરેટટી એસોસિએશનને આવકારદાયક નિર્ણય લીધો છે. દિયોદર ખાતે નાયબ કલેક્ટર અને તાલુકા હેલ્થ ઓફિસરની અધ્યક્ષતામાં લેબોરેટરી એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના વિવિધ ત્રણ જેટલા ટેસ્ટમાં અત્યાર સુધી 4 હજારથી પણ વધુ રૂપિયા આપવા પડતા હતા. જે હવે માત્ર 900 રૂપિયામાં કરી આપવાની લેબના માલિકોએ ખાતરી દર્શાવી છે.
ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે
કોરોના વાઇરસની મહામારીમાં ખાસ શહેરી વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા, બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતો અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે, ત્યારે આવા સમયે મોટાભાગે કોરોના સામે અનેક લોકો સંક્રમિત થયા હતા અને વધારે પૈસા ખર્ચ કરવા છતાં તેમને શહેરી વિસ્તારોમાં સારવાર મળતી ન હતી.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં અત્યાર સુધી રોજના 50થી પણ વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવતા હતા
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં અત્યાર સુધી રોજના 50થી પણ વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવતા હતા. આ તમામ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને દોઢથી બે લાખ રૂપિયાની બચત થશે અને જો કોઈ અત્યંત ગરીબ દર્દી જણાય તો તેને નુકસાન કરીને પણ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવા માટે ડોક્ટરો તૈયાર થયા છે.
શહેરી વિસ્તારમાં મોટા ખર્ચ કરવા છતાં પણ ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળતી ન હતી
બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વધતા જતાં કોરોના વાઇરસના દર્દીઓના કારણે શહેરી વિસ્તારમાં મોટા ખર્ચ કરવા છતાં પણ ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળતી ન હતી. ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ જાતે જ હોસ્પિટલો તૈયાર કરી ગ્રામીણ વિસ્તારના લોકોને સારવાર આપવાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ ડીસામાં માલગઢ ગામે યુવાનોએ લોકડાઉનનું પાલન કરાવવા પહેલ કરી
દિયોદરના લેબોરેટરી ધારકોની આ પહેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ છેલ્લા ઘણા સમયથી કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે તેમને મોટા પ્રમાણમાં ખર્ચ કરવા છતાં પણ દિયોદરના મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળતી ન હતી. અત્યારના સમયમાં કેટલીય હોસ્પિટલના સંચાલકો નાણા કમાવવાની હોડમાં ગરીબ હોય કે અમીર દર્દી તમામ પાસેથી તગડી ફી વસૂલતા હોય છે. તેવામાં દિયોદરના લેબોરેટરી ધારકોની આ પહેલે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે .