- ડીસામાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર
- ધંધા-રોજગાર બગાડી ચૂંટણી પ્રચાર કરવો તે યોગ્ય બાબત નથી:સાદિકભાઈ
- સાદિકભાઈને મળી રહ્યું છે લોકોનું સારું સમર્થન
બનાસકાંઠા: આમ તો સામાન્ય રીતે ભાજપ હોય કે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વધુને વધુ ટોળા એકઠા કરતા હોય છે, પરંતુ તેની સામે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવા પણ છે કે જેઓ તમામ સગા- સંબંધીઓને આ ચૂંટણી પ્રચારથી દૂર રાખી માત્ર પોતે એકલા જ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ડીસાના પૂર્વ નગરસેવક અને અત્યારે વોર્ડ નંબર-11માં અપક્ષમાંથી ચૂંટણી લડી રહેલા સાદીકભાઈ શેખ સાદીકભાઈ ગયા વખતે પણ તેમના વોર્ડમાંથી સૌથી વધુ મત મેળવી વિજેતા બન્યા હતા. સાદીકભાઈ આમ તો સેવાભાવી વ્યક્તિ છે અને આ વિસ્તારમાં કોઈ પણ ગરીબ, કે જરૂરીયાત મંદ વ્યક્તિ એવી નહિ હોય કે જેમને સાદીકભાઈ એ મદદ ન કરી હોય અને એટલા માટે જ લોકો તેમને સર્વ સંમતિથી દર વખતે ચૂંટણીમાં ઉભા રાખે છે. આ વખતે પણ આમ તો સાદીકભાઈની ઈચ્છા ન હોતી પરંતુ તેમ છતાં લોકોની માંગણીને ધ્યાને રાખી તેઓ ફરીથી અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
સગા-સંબંધીઓને ચૂંટણીપ્રચારથી રાખે છે દૂર
અત્યારે પણ સાદીકભાઈ એકલા ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે તેમનું માનવું છે કે, ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર સાથે જોડાતા લોકોના ધંધા રોજગાર બગડતા હોય છે. એક અઠવાડિયા સુધી સતત નાના અને સામાન્ય માણસના ધંધા-રોજગાર બગાડી ચૂંટણી પ્રચાર કરવો તે યોગ્ય બાબત નથી માટે તેઓ તેમના સગા-સંબંધીઓને પણ ચૂંટણીપ્રચારથી દૂર રાખે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકો ઉમેદવારને ચાહે છે. એ લોકોના કામ સારી રીતે કરી શકે છે અને જેના પર વિશ્વાસ છે તેને લોકો ચોક્કસ મત આપી જીતાડે છે.
લોકોનું સારું સમર્થન સાદિકભાઈને મળી રહ્યું છે
ડીસાના વોર્ડ નં-11ના ઉમેદવાર સાદિકભાઈ પોતાનો પ્રચાર હાલ એકલા કરી રહ્યા છે અને લોકોનું પણ તેમને સારું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગયા 5 વર્ષ માટે પણ વોર્ડ નં-11ના સ્થાનિક લોકોએ સાદિકભાઈને ખોબલે-ખોબલે વોટ આપી નગરપાલિકામાં વિજેતા બનાવી મોકલ્યા હતા. ત્યારે ફરી એકવાર જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોનું ફરી એકવાર તેમને સારું સમર્થન મળી રહ્યું છે.