બનાસકાંઠાઃ જિલ્લા માટે તીડના ઝુંડોએ ખાસ પાસ કઢાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક વર્ષમાં સતત પાંચમી વખત તીડના ઝુંડોએ બનાસકાંઠા જિલ્લામાં આક્રમણ કર્યું છે. સરહદી વિસ્તારના ખેડૂતો આમ પણ કમોસમી વરસાદ અને કોરોનાની સમસ્યાથી પીડાતા હતા, તેવામાં તીડના ઝુંડોએ આક્રમણ કરતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગત એક વર્ષમાં પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડએ સતત પાંચમી વખત બનાસકાંઠામાં ધામાં નાખ્યા છે. આ તીડના ઝુંડે બુધવારે વાવના એટા, સુઇગામના રડકા અને ભાભર તાલુકાના ચાતરા, રૂની તેમજ દિયોદર અને ડીસા સહિત 25 જેટલા ગામમાં આક્રમણ કર્યું છે.
તીડ દેખાતાં ખેડૂતો સક્રિય બની ગયા છે અને તીડને ખેતરમાંથી નશાડવા દેશી નુસખા અપનાવી રહ્યા છે. જે-જે ગામમાં તીડ આવ્યા છે, તે ગામની મહિલાઓ, બાળકો અને ખેડૂતો થાળી વગાડી, ધુમાડો કરી, ઢોલ વગાડી અને બાઇક કે ટ્રેક્ટર ખેતરોમાં ફેરવી તીડને નશાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાન તીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નિવડતા તીડના ઝુંડ રાજસ્થાનમાં પ્રવેશતા હોય છે અને ત્યાંથી પવનની દિશા સતત બનાસકાંઠા તરફ રહેતા ગત 2 દિવસથી તીડ સરહદી વિસ્તારો તરફ વળ્યા છે. આ તીડ ખેતરોમાં ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે. તીડ બુધવારે સાંજથી શહેરી વિસ્તારો તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં છેલ્લે 1985માં તીડ દેખાયાં હતાં.
જિલ્લામાં સતત 2 દિવસથી તીડના ઝુંડ ઉભા પાક પર તવાઈ વરસાવી રહ્યા છે. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગની 4 ટીમ અને ભારત સરકારની 2 ટીમએ સાથે મળી દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે.