બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા મંગળવારે સુજલામ સુફલામ નહેરમાં પાણી છોડવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. આ વર્ષે પણ પાણીના તળ 500થી 700 ફૂટ જેટલા ઉંડા જતા હવે પાણી માટે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ માત્ર બે જ પાઇપલાઇન દ્વારા પાણી છોડાતા ખેડૂતોને નહિવત જેટલો જ લાભ થયો છે. આ મામલે મંગળવારે થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટેની રજૂઆત કરાઈ હતી. સરકાર નર્મદા કેનાલમાંથી 7 પાઇપલાઇન દ્વારા પુરા હોર્સ પાવર સાથે પાણી છોડાય તો જ ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે.
આ સિવાય થરાદ તાલુકાના ગામોમાં હજૂ પણ નર્મદા કેનાલ કમાન્ડ વિસ્તાર બહાર આવેલા છે. આ તમામ ગામોનો પણ સમાવેશ કરી, આ વિસ્તારમાં પણ પાણીની સમસ્યા કાયમી હલ થાય તે માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી.