ખેડૂતે બાગાયતી ખેતી દ્વારા ખારેકનું વાવેતર કરી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી
- થરાદના ખેડૂતે 12 એકરમાં 600 ખારેકના રોપા વાવી વર્ષે 15 લાખની આવક થાય તેવુ કર્યું આયોજન
- ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું કર્યું વાવેતર
- એક છોડમાં સરેરાશ રૂપિયા 5,000ની થાય છે આવક
બનાસકાંઠાઃ જિલ્લામાં ઘણા ખેડૂતોએ કૃષિક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે જિલ્લાના થરાદમાં પ્રગતિશીલ ખેડૂત અણદા પટેલે 12 એકરમાં 600 ખારેકના રોપા વાવી બાગાયતી ખેતી દ્વારા વર્ષે 15 લાખની આવક થાય તેવું 70 વર્ષ સુધીનું નક્કર આયોજન કર્યુ છે.

બનાસકાંઠા જિલ્લાનો પશ્વિમ વિસ્તાર સૂકો પ્રદેશ છે. આ વિસ્તારમાં નર્મદાના નીર આવ્યાં પછી ખેતી અને પશુપાલન ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ આવી છે. ત્યારે થરાદ નજીકના બુઢણપુર ગામમાં ખેડૂત અણદા પટેલે બાગાયતી ખેતીના માધ્યમથી ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. અણદા પટેલે 40 એકર જમીનમાં ખારેક, દાડમ, આંબા, પપૈયા, જામફળ, એપ્પીલ બોર વગેરે જેવા પાકોની બાગાયતી ખેતી કરી છે. જેમાંથી 12 એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યુ છે. તેમણે ચાર વર્ષ પહેલાં 6 એકર જમીનમાં 300 ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ હતું, તેમજ તાજેતરમાં બીજા 300 એમ કુલ-600 ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ છે.

આ ખારેક બજારમાં હોલસેલના ભાવે રૂપિયા 50 અને છૂટકમાં 80 થી 100 રૂપિયે કિ.લોમાં વેચાય છે. એક છોડમાં સરેરાશ રૂપિયા 5,000 ની આવક થાય છે. જેથી 300 છોડમાંથી 15 લાખની આવક મળવાની ધારણા છે. તેમણે કહ્યું કે બે ખારેકના છોડ વચ્ચેની જગ્યામાં આંતરપાક તરીકે એપ્પીલ બોર વાવ્યાં છે, એ પણ વર્ષે ચાર લાખની આવક આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે દાડમ, ખારેક, જામફળ જેવા પાકોની આવક મળી વર્ષે રૂપિયા 1 કરોડની માતબર આવક બાગાયતી ખેતીમાંથી થાય છે.
માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરનારા અણદા પટેલ નામના ખેડૂતે પોતાની આગવી કોઠાસૂઝ અને મહેનતના લીધે જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોમાં નામના મેળવી છે. તેઓને કૃષિ ક્ષેત્રે 2019માં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું.
અણદા પટેલ અને તેમના ભાઇ રામજી પટેલે લોકડાઉનના સમયમાં 15 મજુરોને રોજગારી પુરી પાડી છે. તેમણે રાજય સરકારના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું કે ખેડુતો બાગાયતી ખેતી તરફ વળે અને ખેડુતોની આવક બમણી થાય તે માટે બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ અમને ખુબ સારું માર્ગદર્શન આપી સરકારી સહાય મેળવવામાં મદદરૂપ બને છે.
જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતાં જિલ્લાના બાગાયતી પાક વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, જેનાથી ખેડૂતોની આવક અને સુખ-સમૃધ્ધિમાં વધારો થશે.