બનાસકાંઠાઃ કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરા શહેરમાં સોનોગ્રાફી મશીન સીલ કર્યું હોવાની ઘટના સામે આવી છે, ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ બાબતે નિયમોનું પાલન ન થતું હોવાથી મશીન સીલ કરી આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી પૂજા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરી દેવાયું છે. છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલના તબીબ દ્વારા સગર્ભા મહિલાઓના ગર્ભ પરીક્ષણ માટે સોનોગ્રાફી માટેનું કોઈ જ રજીસ્ટર મેન્ટેન કરવામાં આવતું ન હતું. તેમજ રજીસ્ટરમાં તપાસ પૂર્વે સગર્ભા માહિલાઓના અંગૂઠાની સહી પણ લેવામાં આવતી ન હતી. જે બાબતે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે પૂજા હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલમાં તપાસ દરમિયાન ખાનગી તબીબની ઘોર બેદરકારી સામે આવી હતી, જેથી આરોગ્ય વિભાગે તરત જ સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું છે, તેમજ તેને નોટિસ ફટકારી છે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે ડોક્ટરની બેદરકારીના કારણે મશીન સીલ કર્યું છે. તેમજ તબીબને નોટિસ આપ્યા બાદ તેના જવાબ પછી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.