- નિરાધારોને ધાબળા ઓઢાડવાનું નિસ્વાર્થ કાર્ય કરે છે આ યુવાન
- ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના રાત ગુજારતા લોકોના મદદ કરે છે પાલનપુરનો યુવાન
- જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ આપવા યુવાનનું અનોખું અભિયાન
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દરરોજ અનેક લોકો કાતિલ ઠંડીમાં ગરમ વસ્ત્રો વિના રાત ગુજારવા મજબૂર બને છે. આવા જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ અપાવવા પાલનપુરના યુવાને અનોખું અભિયાન હાથ ધર્યું છે. જ્ઞાતિ-જાતિના ભેદ વગર જીગરભાઈ નામનો આ યુવાન પોતાની ટીમ સાથે રાત્રે 10થી 1 વાગ્યા દરમિયાન ખુલ્લામાં સુતા લોકોને ધાબળા ઓઢાડવાનું કાર્ય કરે છે.
કાતિલ ઠંડીથી નિરાધારોને બચાવવાનું અભિયાન
પાલનપુર શહેરમાં દરરોજ રાત્રે શહેરના રેલવે સ્ટેશન, ગુરુનાનક ચોક, હાઇવે ચાર રસ્તા વગેરે વિસ્તારોમાં ઘર-પરિવાર વિનાના સેંકડો લોકો ખુલ્લામાં ચાદર, સ્વેટર, રજાઈ જેવા ગરમ વસ્ત્રો વિના જ ખુલ્લામાં કાતિલ ઠંડીમાં સુઈ જવા મજબૂર હોય છે. આવા લોકોને નિઃસ્વાર્થભાવે ઠંડીથી રક્ષણ અપાવવા પાલનપુરના જીગરભાઈ સોની નામના યુવકે અનોખું અભિયાન ઉપાડ્યું છે. બી.કે. ડોનેટ પોઝિટિવ ગ્રુપ નામથી સેવાભાવી લોકોને સાથે રાખી જીગરભાઈ દરરોજ રાત્રે 10વાગ્યે શહેરના અલગ અલગ સ્થળોએ નીકળી પડે છે. જ્યાં પણ રસ્તામાં કોઈ વ્યક્તિ ગરમ વસ્ત્રો વિના સુઈ રહેલું જોવા મળે તો ચૂપચાપ તેને ચાદર કે રજાઈ જેવા ગરમ વસ્ત્રો ઓઢાડી આવા લોકોના અંતરના આશિષ મેળવે છે. જીગરભાઈ છેલ્લાં 15 દિવસથી સતત આ પ્રકારે સેવાકાર્ય કરે છે. જેના માટે તેમને સમાજના અનેક લોકો ગુપ્તદાન સ્વરૂપે ગરમ વસ્ત્રો પણ પહોંચાડે છે. જે દાન જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યું છે.
60થી વધુ જરૂરિયાતમંદ લોકોને અપાયા ગરમ વસ્ત્રો
જીગરભાઈનું માનવું છે કે, સાચી સેવા કરવાથી કોઈકના અંતરના આશિષ મળે છે. જનસેવા એજ પ્રભુસેવા હોવાથી આ કાર્ય સમગ્ર શિયાળાની ઋતુ સુધી ચાલુ જ રાખીશું. અત્યાર સુધી અમે ગુપ્તદાતાઓના સહયોગથી 60 જેટલા નિરાધાર લોકોને મદદ કરી છે. ગુપ્ત દાન શ્રેષ્ઠ દાન હોવાથી દાતાઓના આગ્રહથી નામ પણ જાહેર કરાતું નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, દાન એવું કરવું કે ડાબા હાથે કરો તો જમણા હાથને પણ ખબર ના પડે. એ જ ભાવનાથી કોઈ જ ઓળખ કે નામ જાહેર કર્યા સિવાય જીગરભાઈને લોકો ગરમ વસ્ત્રોનું દાન આપે છે. જેને આજે સાચા લાભાર્થી સુધી પહોંચડાય છે.