- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ
- પાલનપુર કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ
- પાલનપુર બનાસ કોવિડ હોસ્પિટલ આગળ સુરક્ષા ઉભી કરાઈ
- લોકોના ટોળા એકત્ર ન થાય તે માટે વ્યવસ્થા ઉભી કરાઈ
બનાસકાંઠાઃ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી નથી. હાલમાં જ બનાસ કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે, જેના કારણે હોસ્પિટલની બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બનાસ કોવિડ હોસ્પિટલમાં 126 બેડની સુવિધા છે. આ હોસ્પિટલમાં 126ની જગ્યાએ 190 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે, જેના કારણે ઓક્સિજન સહિતની સુવિધાઓ તમામ દર્દીઓને પૂરતી આપી શકાય તેવી સ્થિતિ નથી.
આ પણ વાંચોઃ ડીસામાં કોરોના વાઈરસના કેસ અટકાવવા 200 બેડની વ્યવસ્થા ઉભી કરાશે
રજિસ્ટ્રેશન કરાવેલા દર્દીને દાખલ કરાશે
આવી સ્થિતિમાં હોસ્પિટલ્સમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેને પગલે હવે સંચાલક મંડળ દ્વારા હોસ્પિટલના ગેટ આગળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી હોસ્પિટલમાં પ્રવેશતા પહેલાં જ દર્દીઓ અને તેમના સગાંઓને હોસ્પિટલની સ્થિતિ અંગે જાણકારી આપી શકાય. આ સાથે જ જે પણ દર્દીનું રજિસ્ટ્રેશન હશે અને જો હોસ્પિટલમાં જગ્યા હશે તો જ તેમને દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ નાર ગોકુલધામ ખાતે 100 બેડની વ્યવસ્થા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ
જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં રોજના 200થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપૂરમાં સામે આવી રહ્યા છે. હાલમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના દર્દીઓના કારણે તમામ હોસ્પિટલો પણ હાઉસફૂલ છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર પણ નથી મળી રહી. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં તમામ હોસ્પિટલો આગળ લોકો મોટી સંખ્યામાં ભીડ કરી રહ્યા છે. ત્યારે હવે આવા લોકો હોસ્પિટલો આગળ ભીડ ન કરે તે માટે ડોક્ટરો દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનાથી આવનારા સમયમાં લોકોનું વધતું જતું સંક્રમણ અટકાવી શકાય.