- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ પૂર્ણ
- જિલ્લા કલેકટરે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયારીઓ કરી પૂર્ણ
- આરોગ્ય વિભાગના સ્ટાફને પણ તૈયાર રહેવા સુચના અપાઇ
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી વેવમાં અનેક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કોરોના વાઇરસની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ ખૂટ્યા હતા અનેક લોકોએ પ્રાણવાયુની અછતના કારણે જીવ ગુમાવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. સતત વધેલા લોકોના સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની પરિસ્થિતિ બેકાબૂ બની હતી. સતત ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડની અછતના કારણે અનેક લોકો કોરોનાવાયરસ ની મહામારીમાં મોતને ભેટયા હતા ચારે બાજુ કોરોનાવાયરસ ની મહામારી વધતા દર્દીઓને સારવાર લેવા માટે પણ અનેક તકલીફો પડી હતી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાઇરસની પરિસ્થિતિ બેકાબૂ બની હતી. જેના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કોરોના વાઇરસની ત્રીજી લહેરની તૈયારીઓ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ ત્રીજી વેવ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ભારતમાં આવશે. કોરોનાની ત્રીજી વેવને લઈ સ્થાનિક લોકોમાં ભય છે પરંતુ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વસ્તી વધુ છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓક્સિજન પ્લાન્ટથી લઈ બેડ સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેથી તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચી શકે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી શકયતા
બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. 30 વર્ષ ઉપરના લોકો બીજી લહેરમાં સૌથી વધુ લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી શક્યતા મેડીકલ નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈ બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં શબ વાહીનીઓ તેમજ શમશાન બહાર પણ લાઈનો લાગતી હતી. જે મામલે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા વહીવટી તંત્રની તૈયારીઓ
- પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અલગ પીડિયાટ્રિક કોવિડ વોર્ડ
- 2500 ઓક્સિજન બેડની વ્યવસ્થા
- 8 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત, જ્યારે 13 ઓક્સિજન પ્લાન્ટની કામગીરી ચાલુ
- 800 બેડમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઈન
- જીલ્લા કક્ષાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા
- રેમડેસીવર ઈન્જેક્શનના ઉપયોગની તાલીમ
- જિલ્લામાં 50 બાળરોગ નિષ્ણાંત ડૉકટરની ટીમ તૈયાર
- તાત્કાલિક સેવા માટે 108ની જિલ્લામાં 29 ટીમ કાર્યરત
- 100 વેન્ટિલેટર બેડની વ્યવસ્થા