- એશિયાની નંબર-1 બનાસડેરી દ્વારા બટાટાનું વેચાણ શરૂ કરાશે
- તમામ દૂધ મંડળીઓ પરથી બટાટાનું વેચાણ કરાશે
- બનાસડેરી દ્વારા બટાટાનું વેચાણ શરૂ થાય તો ખેડૂતોને થશે ફાયદો
બનાસકાંઠા: ડેરી ફક્ત દૂધના વ્યવસાય સાથે જ સંકળાયેલી હોય છે. પરંતુ, દૂધમાંથી ઉત્પન્ન થતી ખાદ્ય સામગ્રીનું ડેરીમાં વેચાણ થતું હોય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટો સહીત પણ મોટા ભાગની ચીજવસ્તુઓનું વેચાણ કરી રહી છે. ત્યારે, હવે બનાસડેરીએ શાકભાજીના રાજા ગણાતા બટાટાનું વેચાણ શરૂ કર્યું છે. બનાસડેરી દ્વારા બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં આવેલી બનાસ ડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓ ઉપર બટાટાનું વેચાણ શરુ કરી લોકોના ઘરઆંગણે બટાકા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવવા બનાસ ડેરીનુ "બનાસ જળ શક્તિ અભિયાન"
16 રૂપિયે કિલો બટાટા અપાશે
છેલ્લા ઘણા સમયથી બનાસડેરી દ્વારા ખેડૂતોને અનેક ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. ત્યારે, ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોંઘા પૈસા આપી અને બટાટાનું વાવેતર કર્યું હતું. આમ તો બજારોમાં 20 થી 22 રૂપિયે વેચાતા બટાકા બનાસડેરી દ્વારા 16 રૂપિયે કિલોના ભાવે 5-5 કિલોના પૅકિંગમાં બટાટાનું વેચાણ કરાશે જેને લીધે સામાન્ય પ્રજા પણ ડેરીની મંડળી માંથી બટાટાની ખરીદી કરી શકશે.
બનાસડેરી ખેડૂતો પાસેથી બટાટા ખરીદે તેવી માંગ
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે શાકભાજીના રાજા ગણાતા બટાટા લોકોના રસોડાની રોજીંદી શાકભાજી છે. ગરીબ કે તવંગર દરેકનાં ભોજનમાં બટાકાનો સમાવેશ થતો હોય છે. મોટેભાગે દરેક શાકભાજીમાં બટાકા નાંખવામાં આવે છે. ત્યારે, હવે બનાસડેરીના માધ્યમથી લોકો બજારમાં ગયા વિના જ બટાટાની ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે. તો બીજી તરફ ખેડૂતો પાસેથી પણ સારા ભાવે ખરીદી થાય તો તેનો સીધો લાભ ખેડૂતોને પણ મળી શકે તેમ છે માટે હવે ખેડૂતો પણ બનાસડેરી પાસેથી સારા ભાવ બટાકા ખરીદી કરે અને તેનો પુરતો લાભ મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો: બનાસ ડેરી દ્વારા હવે તૈયાર થશે દરરોજની 2 લાખ લીટર અમુલ મસાલા છાસ
ખેડૂતોને બટાટામાં નુકસાન
બનાસકાંઠા જિલ્લો સરહદને અડીને આવેલો જીલ્લો છે અને બનાસકાંઠા જિલ્લામાં ડિસા નગરીએ બટાટા નગરી તરીકે ઓળખાય છે. ડીસાના આસપાસના વિસ્તારમાં બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે, આ વર્ષે બટાકાની 3.10 કરોડ જેટલી બોરીનું ઉત્પાદન થયુ હતું. પરંતુ, ઓછી નિકાસને કારણે જિલ્લામાં આવેલા 200થી વધુ કોલ્ડ સ્ટોરેજોમાં બટાટાની 2.50 કરોડથી વધુ કટ્ટટા ભરેલા પડ્યા છે. જિલ્લામાંથી બટાટાની ઓછી નિકાસને કારણે જિલ્લાના ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ હતી અને તેવા સમયે જ બનાસડેરી દ્વારા બટાટાનું વેચાણ શરૃ કરાતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશી છે.