બનાસકાંઠા: ડીસા અને પાલનપુર શહેરમાં સરકાર દ્વારા બનાવાયેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ભ્રષ્ટાચારના કારણે બે વર્ષમાં જ જર્જરિત હાલતમાં છે. કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા ન હોવાથી અહીં રહેતા થોડા ઘણા રહેવાસીઓ પણ મકાન છોડી અન્ય રહેવા જવા મજબૂર બન્યા છે. ડીસા અને પાલનપુરમાં ત્રણેક વર્ષ અગાઉ સરકારની રાજીવ આવાસ યોજના અંતર્ગત ઘરવિહોણા અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોના લાભાર્થે મકાનો બનાવ્યા હતા.
નગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદોને ડ્રો સિસ્ટમથી મકાન ફાળવાયા હતા. આ મકાનોની બનાવટમાં પહેલેથી જ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમજ એકદમ હલકી ગુણવત્તાના બન્યા હોય તેમ મકાનની છતોમાંથી પાણી ટપકવું, બારી-બારણા તૂટી જવા તેમજ પીવાના પાણી જેવી તકલીફો પહેલેથી જ રહેવાસીઓ ભોગવી રહ્યાં છે.
આ મકાનોમાં માત્ર પ્રાથમિક સુવિધાઓનો અભાવ નથી, પરંતુ આ મકાનો શહેરથી દૂર નિર્જન જગ્યામાં બન્યા હોવાથી અસામાજિક તત્વોનો પણ ખૂબ જ ત્રાસ રહે છે. રહેવાસીઓની વારંવારની રજૂઆતો છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. તેમજ આ મકાનોના કોઈ સમારકામ કે, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જેથી મકાનો છોડી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે.
બનાસકાંઠાના ડીસા અને પાલનપુર શહેરમાં અંદાજિત 300 જેટલા મકાનો રાજીવ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે. જેમાંથી 100 જેટલા મકાનોમાં અત્યારે લોકો રહેવા માટે ગયા છે. પરંતુ આ મકાનો બન્યા બાદ માત્ર અઢી વર્ષની અંદર જ તમામ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે. દરેક મકાનમાં છત પરથી પાણી ટપકે છે. આ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કામ કરવામાં આવતું નથી. જેના કારણે સ્થાનિકો સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ મામલે ડીસા નગરપાલિકા પ્રમુખ અને ડીસાના ધારાસભ્યે ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.