- સાંસદ પરબત પટેલેના નામે કરાયો અશ્લીલ વીડિયો વાયરલ
- આ વીડિયો તેમને બદનામ કરવા એડિટીંગ કર્યો હોવોનું સાંસદનું નિવેદન
- આ મામલે પોલીસની તપાસમાં 2 વ્યક્તિના નામ સામે આવ્યા
પાલનપુર : અઠવાડિયા અગાઉ બનાસકાંઠાના સાંસદના નજીકના સગા અને તેમના જ ગામના એક વ્યક્તિએ એક વીડિયોના કેટલાક સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને તેનો આખો વિડિયો 15મી ઓગસ્ટના રોજ 12 વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ચીમકી ઉચ્ચાર્યા બાદ 15મી ઓગસ્ટ પહેલા જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
સાંસદનું નિવેદન
આ મામલે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલેનું નામ આવતા તેમણે આ સમગ્ર બાબતે પોતાને બદનામ કરવા માટે અને એડિટિંગ કરી વીડિયો બનાવ્યો હોવાનું તારીખ 8મી ઓગષ્ટે જણાવ્યું હતું. પોતે નખશિખ પ્રમાણિક છે અને 2016થી તેઓને બદનામ કરવા માટે કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનું પણ જણાવ્યું હતું.
સાંસદના પુત્રએ નોંધાવી ફરિયાદ
આ બાબત ધ્યાને આવતા જ સાંસદના પુત્રએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંસદનો એક યુવતી સાથેનો એડિટિંગ કરેલો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેમને 2016થી કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે, જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
2 આરોપી સામે તપાસ
આ અંગે પ્રાથમિક તપાસમાં આ વીડિયો એક ગામના ગ્રુપમાં યુવકે વાયરલ કર્યો હતો, જેથી પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર અને વીડિયો વાયરલ કરનાર બન્ને આરોપી વ્યક્તિના કનેક્શન અંગે તેમજ સોશિયલ મીડિયાના પુરાવાઓ એકઠા કરવાની તેમજ આ વીડિયો સાચો છે કે, એડિટિંગ કરેલો તે માટે FSLમાં મોકલી તપાસ થશે, તેમ થરાદના DySP પી.એસ.ચૌધરીએ જણાવ્યું હતું.
પરબત પટેલ શુદ્ધ ચરિત્રવાન વ્યક્તિ : ભુપેન્દ્રસિંહ
આ બાબતે કેબિનેટ બેઠક બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, "પરબત પટેલ જાહેર જીવનમાં એક પ્રામાણિક અને નિષ્ઠાવાન છે. તેઓ એકદમ શુદ્ધ ચારિત્ર્યવાળા આગેવાન છે. મારે અંગત રીતે 40 થી 45 વર્ષ જૂનો સંબંધ છે. પરબત પટેલને બદનામ કરવા માટે બ્લેકમેઇલ કરનારા તત્વોને આ રીતે ષડયંત્ર ગોઠવ્યું છે, હવે પોલીસ દ્વારા વીડિયો વાયરલ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.