બનાસકાંઠાઃ ડીસા અને બનાસકાંઠા જ નહિ પરંતુ, સમગ્ર ગુજરાતમાં દિનપ્રતિદિન અખાદ્ય ચીજવસ્તુઓનો ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સવારે ઊઠીને શરીફમાં તાજગી મેળવવા માટે પીવામાં આવતી ચાથી લઇ પાવડર, સાબુ હોય કે પછી માથામાં નાખવામાં આવતું હેર ઓઇલ હોય, ઘી, તેલ મરચું, હળદર સહિત તમામ ખાર્ધ સામગ્રીઓમાં પણ ભેળસેળ થઈ રહી છે. વેપારીઓ અને ખાસ કરીને કેટલાક તત્વો વધુ નફો મેળવવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે રીતસર ચેડા કરી રહ્યા છે. આ વાત સૌ કોઈ જાણે છે. બજારમાં મજૂરી કરતા મજૂરથી લઈ વેપારીઓ અધિકારીઓ અને નેતાઓ તમામ લોકો આ જાણતા હોવા છતાં પણ ભેળસેળિયા તત્ત્વો પર લગામ કશી શકાતી નથી. તેનું એકમાત્ર કારણ છે અધિકારીઓની ભાગબટાઈ. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા છ મહિનામાં 200થી પણ વધુ જગ્યાએ ફૂડ વિભગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેલ, ઘી, મરચું, હળદર, માથામાં નખવામાં આવતા તેલના પણ સેમ્પલ લઇ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ તેમ છતા પણ આવા લોકો પર કંટ્રોલ કરી શકાતો નથી.
ખાવાની કોઇ પણ ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોય, તો તેના માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રચના કરવામાં આવી છે. જેનું કામ ખોરાકમાં થતો ભેળસેળ અટકાવવો અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જે માટે બનાસકાંઠામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રોજ બરોજ અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે. જેમાં છેલ્લા છ મહિનામાં જ અંદાજે બસોથી પણ વધુ જગ્યાએ તેલ, ધી, મસાલા અને ખાંડ સહિત અનેક મિલોમાં દરોડા પાડી તેના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ પાલનપુર સબ જેલમાં કેદીઓને પીરસવામાં આવતા ભોજનમાં પણ ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યાંથી લેવામાં આવેલા ઘઉં અને હળદરના સેમ્પલ પણ ફેલ આવતા તેની પણ વધુ તપાસ ચાલી રહી છે.
સૌથી વધુ ઘી, તેલ, મરચું અને હળદર જે રોજબરોજની જરૂરિયાત વાળી ખાદ્ય સામગ્રીઓ છે. જેમાં ઘી બનાવવા માટે આવા તત્વો પામ તેલ, વનસ્પતિ ઘી અને ઘીનું એસેન્સ આ ત્રણેયને મિક્સ કરી ઘી બનાવતા હોય છે. જ્યારે તેલમાં સૌથી નીચા ભાવે પામ તેલ હોય છે. આ પામ તેલમાં જ વિવિધ પ્રકારના એસેન્સ ભેળવી ડબાઓ પર સ્ટાન્ડર્ડ લેબલ લગાવી બજારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વેચતા હોય છે. જ્યારે મરચાં અને હળદરમાં પણ હલકી ગુણવત્તાવાળું મરચું કે હળદર લાવી તેમાં કલરનો ઉપયોગ કરી બજારમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે. આવી ભેળસેળ વાળી ચીજવસ્તુઓ જો રોજ ખાવામાં આવે, તો લોકોના જીવનું જોખમ વધી જાય છે. ખાસ કરીને ખાદ્ય-સામગ્રીમાં વપરાતા કલર વાળી ચીજવસ્તુઓ રોજ ખાવામાં આવે, તો શરીરમાં અનેક પ્રકારના કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. તેના માટે લોકોએ ઓણ આવી ભળેસેળ વાળી ખાદ્ય સામગ્રીથી દુર રહેવા માટે ડૉક્ટરો સલાહ આપી રહ્યા છે.
ભેળસેળ કરતા આવા તત્ત્વોને ડામવા માટે સરકારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રચના તો કરી છે, પરંતુ મોટાભાગના અધિકારીઓ ભેળસેળ કરતા તત્ત્વો સાથે ભાગ બટાઈ કરતા હોવાના કારણે પણ સમગ્ર ગુજરાતમાં બેફામ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. વળી આવા ભેળસેળ કરતા લોકો પકડાય છે, તો કાનૂની પ્રક્રિયામાં પણ છટકબારી હોવાના કારણે આવા તત્ત્વોને કાયદાનો પણ કોઈ ડર રહ્યો નથી. હમણાં સુધી તો મામૂલી દંડની જોગવાઈ હોવાના કારણે ભેળસેળ કરતા વેપારીઓ બેરોકટોક અને કોઇપણ પ્રકારના ડર વગર બેફામ આવી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા. જોકે, તેના માટે સરકારે પણ કડક થઈ હજૂ પણ વધુ કડક કાયદાઓ બનાવે, તો જ આવા લોકોને કંટ્રોલમાં લઈ શકાશે.