બનાસકાંઠાઃ કોરોના મહામારીના કારણે દેશમાં સ્કૂલો બંધ છે. તેમજ લોકડાઉનના કારણે મોટાભાગના લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે, જેથી વાલીઓએ સ્કૂલ ફી માં રાહત આપવા માટે સરકારને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે સરકારે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવા માટે દરેક સ્કૂલને જણાવ્યું હતું, તેમ છતાં કેટલીક સ્કૂલો સરકારના નિયમનો ભંગ કરી રહી છે.
જિલ્લાના પાલનપુરમાં આવેલી કર્ણાવત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના સંચાલકો સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. કર્ણાવત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ફીમાં 25 ટકા રાહત ન અપાતા વાલીઓ રજૂઆત કરવા ગયા હતા, ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ સેજલ દવેએ વાલીઓ સાથે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે, અમારે તમારી કોઈ રજૂઆત સાંભળવી નથી. જેથી કોઈ જવાબ ન મળતા વાલીઓ સ્કૂલમાં જ ધરણા પર બેઠા હતા, ત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ ન થયો હોવા છતાં પણ સ્કૂલના સંચાલકો (સ્ટાફ) સ્કૂલ છોડીને નાસી છૂટ્યા હતા.