- પાલનપુર નગરપાલીકાની હદમાં 70 હજાર મિલ્કતધારકો વસવાટ કરે છે
- પાલીકા દ્વારા ત્રણ મહિનાઓથી બાકી વેરો વસૂલવા થઈ રહી છે કડક કાર્યવાહી
- શહેરના 300થી વધુ મિલ્કતધારકોની મિલકત થઈ સીલ
પાલનપુર: શહેરમાં કુલ 70 હજાર જેટલાં મિલ્કતધારકો વસવાટ કરે છે. જેમનો છેલ્લાં કેટલાંય વર્ષોથી સફાઈ , પાણી, વીજળી, રસ્તા વગેરેનો વેરો બાકી હતો. ત્યારે પાલીકાએ છેલ્લાં ત્રણ મહિનાથી આવા બાકીદારો સામે લાલઆંખ કરતાં ત્રણ મહિનામાં જ પાલીકાએ 13 કરોડ રૂપિયાની વેરા વસુલાત કરવામાં સફળતા મળી છે. જો કે, પાલીકાની આ વેરો ઉઘરાવવાની કામગીરી પણ હાલ વિવાદોમાં ઘેરાઈ છે. શહેરના કોટ વિસ્તારમાં લોકોને પાયાની સુવિધાઓ જેવી કે, રસ્તા, પાણી, સફાઈ, વીજળી વગેરે પુરી પાડવામાં પણ પાલીકાતંત્ર અસફળ નીવડી રહ્યું છે.
આ પણ વાંચો:વાપી નગરપાલિકાએ માર્ચ એન્ડિંગ પહેલા જ 83 ટકા વેરો વસુલ્યો
કોટ વિસ્તાર સાથે પાલીકા ઓરમાયું વર્તન દાખવે છે: સ્થાનિક કોર્પોરેટર
પાલીકા દ્વારા કડકાઇથી વેરો વસુલવાની ઝુંબેશ ચાલી રહી છે. પાલીકા લોકો પાસેથી જે સેવાના કામો માટે વેરો લે છે તે સેવા પણ પુરી પાડતું નથી. તેવો આક્ષેપ કરતાં સ્થાનિક કોર્પોરેટર સાહિલભાઈએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલીકા કોટ વિસ્તારની પ્રજાને અન્યાય કરે છે. અહીં રસ્તા, પાણી જેવા પાયાના પ્રશ્નો પણ હલ થતાં નથી અને પાલીકા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ સાંભળતી નથી તો સામાન્ય નગરજનોની શું દશા હશે તે સમજી શકાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો:પાછલા વર્ષનો વેરો ન ભરતા જૂનાગઢ મનપાએ પાંચ મિલકતોને કરી સીલ
નવા સાધનો કાટ ખાઈ રહ્યા છે અને પાલિકા પોકળ બહાનાઓ કાઢવામાં જ વ્યસ્ત છે: સ્થાનિક કોર્પોરેટર
પાલનપુર પાલીકા સાવ સામાન્ય રસ્તા, વીજળી જેવા પ્રશ્નોના મુદ્દે પણ કોઈ જ કાર્યવાહી કરતું નથી. સફાઈ માટે પણ પાલીકા અધિકારીઓ પોકળ બહાના જ બતાવતા હોય છે. સફાઈના નવા સાધનો હમીરબાગ સંપ ખાતે ઘૂળ ખાય છે અને પાલીકા સાધનો તૂટી ગયાનું વાહિયાત બહાનું કાઢે છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટર સરફરાઝભાઈ સિંધીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સમસ્યા ત્વરિત હલ કરવા 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સમસ્યા હલ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.