- બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણી વગર ખેડૂતો પરેશાન
- સરહદી વિસ્તારમાં ખેતી સાથે લીંબોડીનો ઉદ્યોગ વિકાસ પામ્યો
- 300 રૂપિયા મણ ભાવ મળતા મહિલાઓને રોજગારી મળી
- લીંબોડીઓની આવકથી ભાભર માર્કેટયાર્ડ ઉભરાયું
બનાસકાંઠા : વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાનામાં રહેલા હુન્નરથી ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે. જિલ્લાના ખેડૂતોની સફળ ખેતીથી આજે દેશ વિદેશમાં ખેડૂતો નામના મેળવી રહ્યા છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી. હાલ ભાભર માર્કેટયાર્ડ ( Bhabhar Marketing Yard ) લીંબોડીઓ( Neem Fruit )થી ઉભરાઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોના ખેતરના સેઢે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતોને સારી આવક કરાવી રહ્યા છે.
પાણી અને પાકના ભાવને કારણે ખેડૂતોને હાલાકી
જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી કુદરતી આફતોના કારણે પણ ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે. આ વિસ્તારોમાં ખેડૂતો દર વર્ષે મોંઘા બિયારણો લાવી ખેતી કરે છે, પરંતુ ખેડૂતોને પાકમાં યોગ્ય ભાવ મળતા ન હોવાથી ખેડૂતોએ ઘણીવાર સરકાર સામે આંદોલન કરવા મજબૂર થવું પડે છે. આમ, પાણી અને પાકના ભાવને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.
આ પણ વાંચો:Banashkatha rain update: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: ત્રણેય જળાશયોના દેખાયા તળિયા
ભાભર માર્કેટયાર્ડ લીંબોડીઓથી ઉભરાયું
બનાસકાંઠા ખેતી આધારિત જીલ્લો હોવા છતાં લોકો ખેતી સાથે અન્ય રીતે પણ રોજગારી મેળવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં હાલ પાણીની મોટી સમસ્યા છે. આથી, ખેડૂતો માંડ માંડ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ હવે ખેડૂતો ખેતીની સાથે સરહદી વિસ્તારમાં લીંબોડીમાંથી પણ સારી આવક કરી રહ્યા છે. જિલ્લામાં તેનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. હાલ ભાભર માર્કેટયાર્ડ ( Bhabhar Marketing Yard ) લીંબોડીઓથી ઉભરાઈ રહ્યું છે, રોજનો લાખો રૂપિયાની લીંબોડીઓનો અહીં વેપાર થાય છે. છેલ્લા 10 વર્ષમાં લીંબોડીની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોના ખેતરના સેઢે ઉભેલા લીમડા પણ હવે ખેડૂતોને સારી આવક કરાવી રહ્યા છે.
મધ્યમ વર્ગની મહિલાઓ લીંબોડીમાંથી મેળવી રહી છે આવક
બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં જે પાણી 200 ફૂટે મળતું હતું, તે હાલ 100 ફૂટ સુધી પણ પીવાનું મીઠું પાણી મળતું નથી. જેથી કેટલાય વિસ્તારોમાં ખેતી પર માઠી અસર પડતાં ખેડૂતોની આવકનો સ્ત્રોત ઘટી રહ્યો છે. ત્યારે, ખેતરમાં ઉભેલા 5-10 લીમડાઓ ખેડૂતોને સારી આવક આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોડીઓનો વ્યાપાર તેમના માટે જીવાદોરી સમાન બની ગયો છે. જિલ્લાની મહિલાઓ આમ તો પશુપાલન સાથે જ જોડાયેલી હતી, પરંતુ હવે મોટાભાગે મહિલાઓ લીંબોડી વીણી રોજની સારી આવક મેળવી રહી છે.
આ પણ વાંચો: ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ, ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ
મહિલાઓ 25,000ની કરે છે કમાણી
બનાસકાંઠા જિલ્લામાં ભાભર, સુઈગામ અને વાવ એમ 3 તાલુકાઓમાં હજારો મહિલાઓ ખેડીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અહીંની મહિલાઓ ખેતી, પશુપાલનની સાથે સાથે લીંબોડીમાંથી પણ આવક મેળવી રહી છે. હાઈવેની આજુબાજુમાં ઊભેલા લીમડા અને ખેતરમાં ઉભેલા લીમડામાંથી નીચે પડી જતી અને વેસ્ટ જતી લીંબોડીઓને એકઠી કરી ભાભર માર્કેટમાં તેને વેંચીને મહિલાઓ સિઝનમાં 20થી 25 હજાર રૂપિયા આરામથી કમાઈ લે છે. ભાભર માર્કેટયાર્ડમાં અત્યારે લીંબોડીઓની રોજની 80 હજારથી 1 લાખ બોરી જેટલી આવક છે. આમ, અંદાજે 1 કરોડ રૂપિયાની લીંબોડીઓનો વેપાર માત્ર એક જ માર્કેટમાં થાય છે. જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોડીઓની આવક ધરાવતું માર્કેટયાર્ડ છે.
એક જ દિવસમાં 70 લાખની લીંબોડીની આવક
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોડીઓ અનેક ખેડૂતો માટે આજીવિકા બની રહી છે. ગુજરાતમાં લીંબોડીનું સૌથી મોટા ભાભર માર્કેટયાર્ડમાં રોજની 70 લાખથી પણ વધુ લીંબોડીઓની આવક થઈ રહી છે. આથી, ભાભર માર્કેટયાર્ડમાં આવતી લીંબોડીઓ અનેક રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. આ ઉપરાંત, વિદેશોમાં પણ ભાભરની લીંબોડીઓ મોકલવામાં આવે છે. હાલમાં ભાભર માર્કેટયાર્ડમાં ખેડૂતો રોજની 8,000થી પણ વધુ લીંબોડીઓની બોરીઓની આવક છે. જેના કારણે હાલ ભાભર માર્કેટયાર્ડ લીંબોડીઓથી છલોછલ જોવા મળી રહ્યું છે. માર્કેટયાર્ડમાં લીંબોડીના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.