ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી લોકોને માથાના દુખાવા સમાન બની રહી છે. જેમાં ડીસા શહેરમાં ઘણા સમયથી હાઈવે પર થતાં ટ્રાફિકજામના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ઊભું રહેવું પડતું હતું. ત્યારે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારમાં પિલર બ્રિજ માટે રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો હલ થાય તે માટે પિલર બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે ડીસા શહેરમાં થતી અવારનવારની ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે.
![ડીસામાં નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા પરવાનગી વગર કાટમાળ ઠાલવતાં 65 લાખનો દંડ ફટકારાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8248201_dand_b_gj10014.jpg)
ડીસા શહેરનો વિકાસ થતાં ફ્લાયઓવર બ્રિજની જરૂર જણાતાં કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી હતી. જેનું કામ છેલ્લાં 20 મહિનાથી રચના કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું છે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના તાબા હેઠળ આ સમગ્ર કામગીરી ચાલી રહી છે. પરંતુ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી દરમિયાન નીકળતી માટી અને કચરો હવાઈ પિલ્લરના મેદાનમાં અનઅધિકૃત રીતે 9 હજાર ચોરસ મીટરમાં માટીના મોટા ઢગલાંનો ખડકલો કરી દેવાયો હતો. જેથી આ જગ્યાનો અન્ય ઉપયોગ ન થઇ શકતાં સરકારને પણ ભાડાની આવક ગુમાવવાનો વારો આવ્યો હતો.
![ડીસામાં નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા પરવાનગી વગર કાટમાળ ઠાલવતાં 65 લાખનો દંડ ફટકારાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8248201_dand_a_gj10014.jpg)
આ માટીના ઢગલાં કરી 395 દિવસ સુધી આ જમીનને બિનઅધિકૃત રીતે રોકી રાખી તેનો ઉપયોગ કરતા પાલનપુરના નિવાસી અધિક કલેકટરના આદેશથી નવ હજાર ચોરસ મીટરના 395 દિવસના ભાડા પેટે કુલ રૂ. 65 લાખ 66 હજાર 875 રૂપિયા વસૂલવાનો નેશનલ હાઈવે ઓથોરિટીને આદેશ કરાયો છે. ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલે આ આદેશ કરતાં હડકંપ મચી ગયો છે.