બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહીના પગલે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું મા નડેશ્વરી મંદિર ત્રણ દિવસ બંધ રહેશે. નડેશ્વરી માતાજીનાં મંદીરના પ્રાંગણમાં પણ ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. દર્શનાર્થીઓના હિતને ધ્યાનમાં લઈએ મંદિરના ટ્રસ્ટ દ્રારા 17 જૂનથી 20 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે પવન સાથે વરસાદ: બનાસકાંઠામાં છેલ્લાં 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. કેટલાંક વિસ્તારોમા ભારે પવનનાં કારણે નળિયા અને પતરા ઉડ્યા છે જેથી જિલ્લામાં અનેક લોકોને મોટાં પાયે નુકશાન થયું છે. હજુ પણ વધુ ત્રણ દિવસ વરસાદ પડશે તેવી આઘી કરવામાં આવી છે.
આસ્થાનું કેન્દ્ર: ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કચ્છના રણમાં બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું સ્થાનક આવેલું છે. નડેશ્વરી માતા આ વિસ્તાર ઉપરાંત સમગ્ર દેશમાં રક્ષક દેવી તરીકે પૂજાય છે. અહીં માતાજીના પરચા અને વૈભવનો અનોખો ઇતિહાસ છે. રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દૂર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ 'નડાબેટ' લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે.
અલૌકીક સ્થાનક: દર વર્ષ ચૈત્ર નોમના દિવસે અહીં મેળો ભરાય છે જેમાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. કોઈ પૂજારી નહિ પણ દેશના જવાનો જ આરતી ઉતારતા હોય તેવું આ અલૌકીક સ્થાનક છે. હાલમાં નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા પણ આવેલ છે. અહીં બી.એસ.એફ.નો કેમ્પ ઉપરાંત બોર્ડર આઉટ પોસ્ટ ચોકી પણ છે. જ્યાં તાજેતરમાં જ સરકાર દ્વારા સીમા દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરેલી છે.