- જિલ્લામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો
- બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં દેખાયા મ્યુકોરમાઇકોસિસના કેસ
- જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે કોઈ જ સુવિધા નથી
બનાસકાંઠા: છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે સાથે હવે જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસ નામના રોગે આરોગ્ય વિભાગ અને તબીબી આલમને ચિંતાતુર બનાવ્યું છે.
જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 25 મ્યુકોરમાઈકોસિસના કેસ
મોટાભાગે કોરોના સંક્રમિત થઈને સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જોવા મળે છે. કોરોનાની સારવાર દરમિયાન હેવી સ્ટીરોઇડ અને દવાઓની સાઇડ ઇફેક્ટ્સના કારણે મ્યુકોરમાઇકોસિસની અસર થાય છે. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસમાં જ 25થી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવતા ડોક્ટરો પણ ચિંતાતુર બન્યા છે. વળી આ રોગની સારવાર માટે આપવામાં આવતા એન્ફોટેરેસિમ બી ઈન્જેકશન, પોસુવાકોનાઝોલ અને ઈસુવાકોનાઝોલ નામના ટેબ્લેટની પણ ભારે અછત હોવાથી દર્દીઓની સારવારમાં મુશ્કેલીઓ પડી રહી છે.
સંક્રમિત દર્દીઓને 7થી 42 દિવસ સુધી આપવી પડે છે સારવાર
નાકમાં, ગળામાં કે પછી દાંતના દુખાવાની સાથે શરૂ થતો આ રોગ ધીમે ધીમે આખા ચહેરા સુધી પહોંચે છે. ફંગસ એટલે કે ફૂગના કારણે ફેલાતો આ રોગ બ્લેક ફંગસ તરીકે પણ ઓળખા છે. શરીરના જે ભાગમાં ફંગસ ફેલાય છે, તે ભાગને કેન્સરની જેમ કાઢી નાંખવો પડે છે. ICMR અને WHOની ગાઈડલાઈન મુજબ મ્યુકોરમાઇકોસિસના સંક્રમિત દર્દીઓને 7થી 42 દિવસ સુધી સારવાર હેઠળ રાખવાના હોય છે.
જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસની સારવાર જ ઉપલબ્ધ નથી
બનાસકાંઠાના આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે 5 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જોકે, અહીં દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર જ મળી શકે તેમ છે. કારણ કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને મોટી સર્જરી કરવી પડતી હોય છે અને તેની સુવિધા બનાસકાંઠા જ નહીં પરંતુ નજીકમાં એક માત્ર અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં જ શક્ય છે. જેના માટે બનાસકાંઠાના મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ રિફર કરવામાં આવે છે.
દર્દીઓના ખિસ્સા પર ભારણ વધારતી સારવાર
મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે કરવામાં આવતી સર્જરી માટે ENT સર્જન, મગજના ડોક્ટરો સહિત કુલ 5 જેટલા તજજ્ઞ તબીબોની ટીમની મદદ લેવામાં આવે છે. તેમજ આ સર્જરી કર્યા બાદ પણ 20થી 25 દિવસ સુધી દર્દીની નિયમિત સારવાર કરવાની હોય છે. જેમાં આપવામાં આવતા ઇન્જેક્શનો અને દવાઓનો ખર્ચ પણ ખૂબ જ મોંઘો થતો હોવાથી દર્દીઓના ખિસ્સા પર પણ ભારણ વધી જતું હોય છે.