સુરત: 11 દિવસ અગાઉ સુરતમાં સ્મિત નામના પિતાએ પોતાની પત્ની અને પુત્રને રહેંસી નાખ્યા હતા અને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. હોસ્પિટલમાં દાખલ સ્મિતને ડિસ્ચાર્જ કરાતા પોલીસે સ્મિતને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે દરમિયાન સ્મિત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
એક ક્ષણિક આવેશમાં આવી માણસ શું કરી બેસે એ નક્કી નહીં. આવેશ દરમિયાન માણસ પોતાના પરિવારના સભ્યોને પણ રહેંસી નાખતા અચકાતો નથી. આવી જ ઘટના સુરત જિલ્લામાં બનવા પામી હતી. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલમાં સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા સ્મિત જીયાણીએ ગત 27 ડીસેમ્બરના રોજ તેની પત્ની હિરલ અને પુત્રની હત્યા કરી હતી અને બાદમાં ચપ્પુ વડે તેના માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સ્મિત અને તેના માતા-પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં માતા-પિતાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્મિત જીયાણીએ થોડા દિવસો અગાઉ વેન્ટીલેશન બારીના કાચ વડે ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોતાની જ પત્ની અને પુત્રને શા માટે સ્મિતે મોતને ઘાટ ઉતારી દીધા જેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું. ત્યારે આ દરમ્યાન હોસ્પિટલમાં સારવાર વેળાએ હોશમાં આવેલા સ્મિતનું પોલીસે નિવેદન નોંધ્યું હતું. પોલીસ નિવેદન નોંધતી વેળાએ તે ઘ્રુસકે ઘ્રુસકે રડી પડ્યો હતો અને પરિવારમાં જુદા જુદા કારણોથી એકબીજા સાથે થઇ રહેલા રોજના ઝઘડાથી કંટાળીને સ્મિતે પરિવારને જ ખત્મ કરી આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો સ્મિત સ્વસ્થ થતા 11 દિવસ બાદ ગતરોજ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જે બાદ સરથાણા પોલીસે તેની ધરપકડ કરી હતી. આજરોજ સરથાણા પોલીસ સ્મિતને લઈને તેના ઘરે પહોંચી હતી, જ્યાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ વેળાએ પોલીસ તેને ક્રાઈમ સ્પોટ પર લઈ ગઈ હતી અને ફરી સ્મિત ઘ્રુસકે ઘ્રુસકે રડતો હતો.
સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે. સરથાણા પોલીસ મથકના પીઆઈ મિનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ગત 27 ડીસેમ્બરના રોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુર્યા બિલ્ડીંગની અંદર એક બનાવ બન્યો હતો. જેમાં આરોપીએ તેની પત્ની અને એના 4 વર્ષના બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું. આ ઉપરાંત તેના માતા-પિતાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ પોતે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. આરોપીએ પોતાની જાતને ઈજા પહોંચાડી હોય તે હોસ્પિટલમાં હતો. ગતરોજ હોસ્પિટલમાંથી રજા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે અને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે તેના ઘરે આવ્યા છીએ અને બનાવને કઈ રીતે અંજામ આપ્યો હતો તે બાબતે જણાવતા તેનો પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબતો પર પત્ની સાથે ઝઘડો થતો હતો. બનાવના આગલા દિવસે અને સવારે પણ આ બાબતે ઝઘડો થયો હતો. ગુસ્સો કરી ઘરમાં રહેલી છરી વડે પત્ની અને તેના બાળકને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને મારે પણ હવે નથી જીવવું અને ઘરના કોઈને જીવવા નથી દેવા એવું વિચારી તેના માતા-પિતાને પણ ગંભીર ઈજા પહોંચાડી પોતે પણ રૂમમાં પુરાઈને પોતાની જાતને પણ ઈજા પહોંચાડી હતી.