સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની સગીર દિકરીને ગામનો જ એક યુવાન ભગાડીને લઈ ગયો હતો, જેઓને ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી લેવાયા હતા, અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
ત્યારે આ અંગેનો કેસ સુરેન્દ્રનગરની સ્પેશિયલ પૉક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીવાર ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર મામલો ?
આ બનાવની વિસ્તારથી વાત કરીએ તો વર્ષ 2018માં વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીર દીકરીને 27 જૂલાઈ 2018ના રોજ ગામનો જ રાકેશ ઉર્ફે ભેલુંડો હકાભાઇ કોડિયા નામનો શખ્સ ભગાડીને લઈ ગયો હતો.
પરિવારજનોએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ
ત્યારે આ બનાવ સંદર્ભે પિરવારજનોએ તારીખ 28 જૂલાઈ 2018ના રોજ જોરાવનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આરોપીને અને સગીરાને ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમ ખેતરમાં ખેત મજૂરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં હતા.
કોર્ટે આરોપીને 10 વર્ષની સજા સાથે 18 હજારનો દંડ ફટકાર્યો
આ અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશિયલ પોકસો કોર્ટમાં તારીખ 11 જાન્યુઆરી 2019ના રોજ દાખલ થયો હતો, અને આ કેસ ગત મંગળવારે 7 જાન્યુઆરી 2025ના રોજ ચાલી જતા સરકારી વકીલ પીબી મકવાણાની દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે સ્પેશિયલ પોકસો કોર્ટના જજ એનજી સાહેબે આરોપી રાકેશ બેલુડોને દસ વર્ષની સજા અને રૂપિયા 18,000નો દંડ ફટકાર્યો છે.