બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રોજ નવા 25થી 30 જેટલા નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 500 પર પહોચ્યો છે. સાથે-સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
શનિવારના રોજ ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં અઠવાડિયા અગાઉ સારવાર માટે દાખલ થયેલા સોમાભાઈ સોનીનું કોરોના ના કારણે મોત નીપજ્યું છે. આ સિવાય થરાદના ખાનપુર ગામના રતાભાઇ દરજીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને પાલનપુર ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું પણ આજે સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે આ સિવાય પાલનપુર ની કોવિડ હોસ્પિટલમાં ને શંકાસ્પદ કોરોના પોઝિટિવ દર્દીઓના પણ મોત થયા છે. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કુલ ચાર લોકોના મોત થયા છે તે સાથે જ જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંક 31 થયો છે.
જિલ્લામાં રોજે-રોજ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે આરોગ્ય વિભાગે પણ કમર કસી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 34 ધન્વંતરી રથ દ્વારા લોકોના ઘરે-ઘરે જઈ હાઈ રિસ્કમાં આવતા તેમજ ડાયાબિટીસ અને બીપીના દર્દીઓની સઘન ચકાસણી થઇ રહી છે. આ સિવાય બનાસ મેડિકલ કોલેજ દ્વારા પણ 1500 વોલેન્ટીયર્સ ગ્રામીણ વિસ્તારમાં ફરી બીમાર અને શંકાસ્પદ લોકોની તપાસ કરી કોરોના સંક્રમિતની વધુ ફેલાતો અટકાવવા માટે પ્રયાસો કરે છે.