બનાસકાંઠા: હિન્દુ સંસ્કૃતિમાં દરેક કામની શરૂઆત ગણેશજીની આરાધનાથી થાય છે અને ગણેશજીને તમામ વિધ્નોને હરનાર એટલે કે રુકાવટોને દૂર કરનાર તરીકે માનવામાં આવે છે, ત્યારે તાજેતરમાં ગણપતિ ઉત્સવની શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે વિધ્નહર્તાના આ તહેવારમાં કોરોના વાઇરસ વિધ્ન બનીને આડો આવ્યો છે.
ડીસા શહેરના કુંભારવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અહીં રહેતા 35 જેટલા પરિવારો દરેક તહેવારમાં ભગવાનની મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે. દર વર્ષે માટીની મૂર્તિનું વેચાણ કરી આ વિસ્તારમાં રહેતા પરિવારો કમાણી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા તમામ તહેવારો બંધ કરવામાં આવ્યાં છે. જેના કારણે તેની સીધી અસર કુંભારવાસના 35 પરિવારો પર જોવા મળી રહી છે. આ વિસ્તારમાં રહેતા 35 પરિવારો હિન્દુ ધર્મના તમામ તહેવારો જેવા કે, દશામાંના વ્રત, ગણેશ ઉત્સવ જેવા અનેક તહેવારોમાં હજારોની સંખ્યામાં માટીની મૂર્તિઓ બનાવી વેચાણ કરે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે એકપણ તહેવારમાં તેમની મૂર્તિઓનું વેચાણ ન થતા આ પરિવારોને હાલ ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આજથી શરૂ થઈ રહેલા ગણેશ ઉત્સવમાં કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યું છે.
ડીસાના કુંભારવાર વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા 2 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે, ત્યારે આ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરી સારી કમાણીની આશાએ 2 મહિના સુધી આખા પરિવારે મહેનત કરી હતી, પરંતુ આ પરિવારને કોરોના વાઇરસના ગ્રહણના કારણે 200 મૂર્તિઓમાંથી માંડ માંડ 10થી 15 મૂર્તિઓનું વેચાણ થયું છે. સતત 5 વર્ષથી નાની દીકરી ગણેશજીને શણગાર કરવામાં પોતાના પરિવારને મદદ કરી રહી છે, પરંતુ આ વર્ષે આ નાની દીકરી દ્વારા તૈયાર કરાયેલી એક પણ મૂર્તિનું વેચાણ ન થતા આખરે આ મૂર્તિઓ તેને પોતાના ઘરમાં જ રાખવાની ફરજ પડી છે.
દર વર્ષે સરહદી તાલુકા મથક ડીસામાં હજારોની સંખ્યામાં બહારથી આવીને લોકો માટીની ગણપતિની મુર્તિઓના વેચાણ માટે સ્ટોલ લગાવતા હોય છે. ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ આ સ્ટોલ પર મૂકવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓ ખરીદવા માટે લોકો પડાપડી કરતાં હોય છે, પરંતુ ચાલુ વર્ષની શરૂઆતમાં વિશ્વમાં કોરોના રૂપી દાનવની એન્ટ્રી થતાં તેની અસર હવે ગણપતિ ઉત્સવ પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. કોરોના વાઇરસને લઈ સરકાર દ્વારા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ખાસ ગાઈડલાઇન નક્કી કરવામાં આવી છે અને જાહેરમાં ઉજવાતા ઉત્સવો પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
ગણપતિ ઉત્સવને લઈ લોકોમાં એક પ્રકારનો કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકો આ વર્ષે ગણેશજી પ્રતિમા ખરીદવાનું ટાળી રહ્યાં છે. ડીસામાં ગણપતિની મૂર્તિનું વર્ષોથી વેચાણ કરવા આવતા વેપારીઓ જણાવી રહ્યા છે કે, તેમના જીવનમાં પ્રથમવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, નહીંતર ભાદરવા મહિનાની શરૂઆત થતાં સુધીમાં તેમની તમામ મૂર્તિઓનું બુકિંગ પૂરું થઈ જતું હતું. તેના બદલે અત્યારે લોકો મૂર્તિ ખરીદવા પણ આવતા નથી. સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર યથાવત છે. તેની સીધી અસર અત્યારે ધાર્મિક તહેવારો પર પણ જોવા મળી રહી છે, ત્યારે ભારત એક એવો દેશ છે કે, તેની આર્થિક વ્યવસ્થા ધાર્મિક તહેવારો પર નિર્ભર છે. હવે તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આગામી સમયમાં કોરોનાનું સંકટ દૂર નહીં થાય ભારતની અર્થ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ શકે તેમ છે.