દિલ્હીમાં શનિવારે તીસ હજારી કોર્ટનાં પરિસરમાં દિલ્હી પોલીસ અને વકીલોની વચ્ચે હિંસા થઈ હતી. આ હિંસક લડાઇમાં પાર્કિંગ વિવાદ મુદે થયેલા હોબાળા દરમિયાન પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા વકીલોએ પોલીસનાં વાહનો સળગાવી દીધા હતા. આ ઘટનામાં એક વકીલને પણ ઈજા થઈ હતી. ત્યારે દિલ્હીની આ ઘટનાના પડઘા ડીસામાં પણ પડ્યા હતા.
ડીસામાં બુધવારના રોજ બાર એસોસિએશન દ્વારા ડીસા કોર્ટ સંકુલમાં કાળા કોટ પર લાલ પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરેલા વકીલોએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માગ સાથે આગામી સમયમાં વકીલોની સુરક્ષા માટે મજબૂત કાયદા ઘડવાની માગ કરી હતી.