- 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી બનાસકાંઠામાં ચાલશે કરુણા અભિયાન
- જિલ્લાના તમામ 14 તાલુકા મથકોએ ઉભા કરાશે વિશેષ કન્ટ્રોલ
- કરુણા અભિયાન હેઠળ ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓને બચાવવા વહીવટીતંત્રનું સુચારુ આયોજન
બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં ઉત્તરાયણ નિમિતે કરુણા અભિયાન ચલાવાય છે. તેમ છતાં નિર્દોષ પક્ષીઓ અને માનવીઓ કાતિલ દોરીથી ઇજાગ્રસ્ત થતા હોય છે. આ વર્ષે પણ બનાસકાંઠા વહીવટી તંત્રે ઉત્તરાયણ તહેવાર દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી જીવદયા પ્રેમીઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરૂણા અભિયાન શરૂ કર્યું છે.
16 જેટલાં નોડલ ઓફિસરોની કરાઈ નીમણુંક
કરૂણા અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. કરૂણા અભિયાન હેઠળ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ પશુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે જરૂરી સુવિધા કાર્યરત રહેશે. ઉત્તરાયણના પર્વ પ્રસંગે કોઇ પણ વ્યક્તિ તેમજ પશુ- પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 16 જેટલાં તાલુકા નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે.
કરુણા અભિયાન હેઠળ ઉત્તરાયણ પર ઘાયલ પક્ષીઓને બચાવવા વહીવટીતંત્રનું સુચારુ આયોજન
ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સમગ્ર જિલ્લામાં 14 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. પક્ષીઓ બચાવવા માટે 83 ટીમો, 61 સરકારી સારવાર કેન્દ્રો, 48 સરકારી ર્ડાકટરો, 7 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ અને 7 સ્વૈચ્છીક ર્ડાકટરો, 183 સ્વયંસેવકો, 122 વન વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત કરૂણા અભિયાન એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર- 1962 પર સંપર્ક કરી ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર અપાવી શકાશે. જિલ્લામાં કુલ- 93 જેટલાં કલેક્શન કમ ટ્રીટમેન્ટ સેન્ટર ઉપર 183 સ્વંયસેવકો અને 8 વાહનો તૈનાત રખાશે. આ ઉપરાંત ઉત્તરાયણ નિમિતે તુકકલ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.