- સરકાર દ્વારા લોક જાગૃતિ માટે કરોડો રૂપિયાના ખર્ચે જાગૃતિ અભિયાનો હાથ ધરાયા હતા
- પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે
- બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે બાઇકસ્વારો હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યા છે
- જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને ફૂલ આપી હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી
બનાસકાંઠાઃ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લામાં માર્ગ અકસ્માતના અનેક નાના-મોટા અકસ્માતો સામે આવ્યા છે અને આવા નાના-મોટા અકસ્માતોમાં સૌથી વધુ બાઈકસ્વારો ભોગ બનતા હોય છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં હેવી વાહનો પસાર થાય છે અને આવા હેવી વાહનોના બેજવાબદારીભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી અનેક બાઈકસ્વારોના મૃત્યુ પણ થયા છે. બાઈક સવારો વગર હેલ્મેટે બાઈક ચલાવી રહ્યા છે અને જેના કારણે અકસ્માતમાં તેમના મૃત્યુ થઈ રહ્યા છે.
સમગ્ર ભારતભરમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો
સમગ્ર ભારતભરમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાલમાં બાઈકસ્વારો સૌથી વધુ માર્ગ અકસ્માતના બનાવના ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાહનચાલકો સુરક્ષિત રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેની અસર લોકો પર જાણે કંઈ જ ના હોય તેમ લોકો આજે પણ તમામ રસ્તાઓ પર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમ વિરુદ્ધ વાહનો ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો દર વર્ષે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તમામ રસ્તા ઉપર વિવિધ પ્રકારના સલામતીના બોર્ડ લગાવવામાં આવે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ અકસ્માતના ભોગ બાઈકસ્વારો બની રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાભરના મીઠા થરાદ હાઇવે પર સર્જાયો અકસ્માત, બેનાં મોત
દરવર્ષે ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવે
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા દર વર્ષે વાહનચાલકો સુરક્ષિત રહે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા તમામ હાઇવે પર લોકોને ટ્રાફિકના નિયમો તેમજ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે માહિતી પૂરી પાડવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા શાળાઓમાં પણ કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ હાલમાં બાઈક ચલાવી રહ્યા છે તેમાં મહદ અંશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો થકી વાહન ચાલકોને ગુલાબ આપી ફરજિયાત ટ્રાફિકના નિયમો જાણે તેમ જ બાઈકસ્વારો હેલ્મેટ પહેરીને જ બાઈક સવારી કરે તે માટે સલાહ-સુચન આપવામાં આવે છે.
ETV BHARATની અપીલ
જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વારંવાર બાઇક સવારોને હેલ્મેટ પહેરવાની સૂચના આપવા છતાં આજે પણ મોટાભાગના બાઈક સવારો હેલ્મેટ પહેર્યા વગર જ નજરે પડી રહ્યા છે અને જેના કારણે જ બનાસકાંઠા જિલ્લામાં સતત નાના-મોટા અકસ્માતમાં બાઈકસ્વારોના મોત નીપજી રહ્યા છે. જિલ્લામાં અગાઉ પણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે તેમ છતાં પણ આજે મોટા ભાગના અકસ્માતોમાં બાઈક સવારો હેલ્મેટ વગર જોવા મળી રહ્યા છે. તમામ રસ્તા ઉપર મોટાભાગે બાઈક સવારો હેલ્મેટ પહેર્યા વગર જ નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ETV BHARAT દ્વારા લોકો હેલ્મેટ પહેરે અને પોતાનું જીવન સુરક્ષિત રાખે તે માટે હેલ્મેટ વગરના તમામ બાઇક સવારોને એક ગુલાબ આપી સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. જિલ્લામાં જ્યારે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ઝુંબેશ ચલાવવામાં આવે છે ત્યારે મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ વગર જ નજરે પડે છે. જેના કારણે પોલીસ તંત્ર દ્વારા પણ બાઈકસ્વારો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચોઃ જામનગરમાં બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત