બનાસકાંઠાઃ કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પર ક્રાઈમની પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પોલીસે સઘન બંદોબસ્ત અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી આ પ્રવૃત્તિને અટકાવવામાં સફળતા મેળવી છે.
ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર સૌથી વધુ અગત્યની ગણાય છે. રાજસ્થાન, યુપી અને પંજાબ તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગના લોકો આ બોર્ડર પરથી જ પ્રવેશ કરતા હોય છે, ત્યારે આ બોર્ડર તેના મહત્વની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ આગળ મનાય છે અને કોરોના મહામારીના સમયમાં પણ આ બોર્ડર પર ગેરકાયદેસર ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં જ અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1 રિવોલ્વર અને 36 જીવતા કારતૂસ સહિત 4 પરપ્રાંતિય લોકોની અટકાયત કરી હતી. આ લોકો મહારાષ્ટ્રમાં એક જમીનના કેસની પતાવટમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે આ ચારેય શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.