જિલ્લાની 33 પોસ્ટ ઓફિસમાં છેલ્લા 2 માસથી ચેકબુક ખતમ થઈ ગઈ હોવાથી અંદાજે 5 હજાર જેટલા ગ્રાહકોને વાંરવાર ધરમના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. જો કે, ફિક્સ ડિપોઝિટના પાકતા નાણાં ગ્રાહક લેવા જતા પોસ્ટ કર્મચારીઓ દ્વારા ચેકના અભાવે તેમને ધક્કા ખવડાવતા રોષ જોવા મળી રહ્યો છે.
જો કે, આ મામલે પોસ્ટ ઓફિસના અધિક્ષકે હાથ અધ્ધર કરતા જણાવ્યું હતું કે, ચેકબુક નાસિકથી આવે છે અમે અગાઉ આ અંગે અનેકવાર રજૂઆત પણ કરી છે. ત્યાં સુધી પાકતી મુદત વાળા ગ્રાહકોને અમે પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવી રોજ થોડા-થોડા નાણાં ઉપાડીને આપીએ છીએ.
સરકાર ભલે પોસ્ટ ઓફિસમાં વધુ ગ્રાહકો આવે તે માટે સુવિધાઓ વધારવા પ્રયાસ કરતી હોય, પરંતુ બનાસકાંઠામાં તો હાલ રોજ અસંખ્ય ગ્રાહકો ચેકના અભાવે પોસ્ટના ધક્કાઓ ખાઈ રહ્યા છે, ત્યારે ક્યારે ચેક આવશે અને ગ્રાહકોની પરેશાની દૂર થશે તે જોવું રહ્યું.