ડીસા: તાલુકાના જૂના ડીસા રાવળવાસમાં રહેતાં લક્ષ્મીબેન પ્રવિણભાઇ રાવળ ગત તારીખ 17 નવેમ્બર 2016ની સાંજે 7 કલાકના સુમારે ઘરનું કામકાજ પતાવી વાડામાં જઇ રહ્યાં હતાં. તે દરમિયાન તેમના પતિ પ્રવિણભાઇ ચમનભાઇ રાવળે ઘરમાં પડેલું કેરોસીનનું ડબલુ લઇને "તું મરીજા નહીંતર તને મારી નાખીશ" તેવી ધમકી આપી કેરોસીન છાંટી દિવાસળીથી લક્ષ્મીબેનને સળગાવી દીધા હતાં. જેથી તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતાં 108 દ્વારા ડીસા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
જેથી પોલીસે મરણોત્તર નિવેદનના આધારે પ્રવિણભાઇ રાવળ સામે હત્યાનો ગુનો નોધ્યો હતો. જે અંગેનો કેસ ડીસાના બીજા એડીશનલ સેશન્સ જજ બી.જે.દવે સમક્ષ ચાલી જતાં પ્રવિણભાઇ ચમનભાઇ રાવળને હત્યાના કેસમાં કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા ઉપરાંત રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફરીયાદી પક્ષે સરકારી વકીલ એન.એસ.વકીલે ધારદાર રજૂઆત કરી હતી.