બનાસકાંઠાઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જિલ્લાના 14 તાલુકાઓમાંથી 13 તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સરહદી વિસ્તાર એવા વાવમાં ખેડૂતો પોતાના પાકને લઈ અને ઘણું નુકસાન વેઠી રહ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સારા વરસાદની આશાએ સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હતો અને વાવ વિસ્તારમાં વરસાદ ન જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આમ તો અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ વાવ તાલુકામાં નોંધાયો છે. પરંતુ મોડી રાત્રે અઢી ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો હતો, તેના કારણે અનેક ગામના ખેતરો તળાવમાં તબદીલ થઈ ગયા છે. ખેતરોમાં બે-ત્રણ ફૂટ જેટલું પાણી ભરાતા ખેડૂતોએ રાતદિવસ મજૂરી કરી તૈયાર કરેલા ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
વાવ તાલુકામાં ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, અગાઉ પણ તીડ આક્રમણ સમયે પણ સૌથી વધુ નુકસાન વાવ તાલુકાના ખેડૂતોને જ થયું છે. ત્યારબાદ કમોસમી માવઠુ થતા પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ નુકસાન વાવ તાલુકાના ખેડૂતોને થયું હતું અને હવે ફરી એકવાર ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતા વાવ પંથકમાં ખેડૂતોની કમર ભાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરકાર અહીંના ખેડૂતોના નુકશાનનો સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.