- પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી
- પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો
- લડબી નદીમાં પાણીની આવક વધતા કોઝવે તુટયો
બનાસકાંઠાઃ રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. એક તરફ બનાસવાસીઓ પર મેઘો મહેરબાન થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે ડીસા અને પાલનપુરમાં લોકોના જાનમાલને ખૂબ જ નુકસાન થયું હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. પાલનપુરમાં આજે સોમવારે વહેલી સવારે ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્રણ કલાકમાં ચાર ઈંચ વરસાદ (Rain) ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે હાઇવે (Highway) વિસ્તારમાં આવેલા બ્રાહ્મણવાસ, હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓના મકાનોમાં ત્રણથી ચાર ફૂટ જેટલુ પાણી ઘૂસી ગયું હતું. ઘરમાં પાણી ઘુસી જતા લોકોની લાખો રૂપિયાની ઘરવખરીને નુકસાન થયું હતું.
કોઝવે તૂટતા વાહન વ્યવહાર થયો હતો બંધ
પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા ગામ વચ્ચે લડબી નદી પર બનાવવામાં આવેલો કોઝ વે ધરાશયી થઈ ગયો હતો. નબરી ગુણવત્તાવાળા કામના કારણે ભારે વરસાદમાં કાગળના પત્તાની જેમ આ કોઝવે ધરાશાયી થયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો હતો. કોઝવે તૂટતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો અને લોકોએ કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી
તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ
પાલનપુરમાં સોમવારે ભારે વરસાદ (Rain) ના પગલે નદીમાં નવા નીર આવ્યાં હતા. પાણીના નીર વધતા વેડંચા (Vedancha) ગામ પાસે પસાર થતો કોઝવે તૂટી ગયો હતો. જે અંગેની જાણ રોડ ખાતાના અધિકારીઓને થતા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વાહન વ્યવહાર ફરીથી શરૂ થાય તે માટે તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી.
ખેડૂતોમાં ખુશીની લહેર
લાંબા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વરસાદ (Rain)ની આતુરતાથી રાહ જોઇને બેઠા હતા. છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા ધીમીધારે વરસાદ (Rain) બાદ આજે સોમવારે વહેલી સવારે ધોધમાર વરસાદ બનાસકાંઠા જિલ્લામાં શરૂ થયો હતો. મોટાભાગના તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં સૌથી વધુ ખુશી જોવા મળી હતી. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક અને વાવણી લાયક વરસાદ (Rain) થતાં ખેડૂતો (Farmers)માં ખુશીની લહેર જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Rain news: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ