ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવિધ માંગણીઓને લઈ અને ગુજરાત સરકારના વિરોધમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે લડત ચલાવી રહ્યા છે.
લાંબા સમયથી ચાલી આવતી આ લડતને લઇ આજે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની લડત ચાલી રહી છે, ત્યારે આજે ડીસામાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ આરોગ્ય વિભાગનું કામકાજ બંધ રાખી સરકારના વિરોધમાં ધરણાં પર ઉતરી આવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી સરકાર સામે તેમને 13 જેટલી માંગણીઓ રાખવામાં આવી હતી. જે માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા છેલ્લા ચાર દિવસથી આરોગ્ય વિભાગના ધરણાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે આજે ડીસાના ખાતે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ધરણા પર ઉતરી આવ્યા હતાં અને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આગામી સમયમાં જો તેમની 13 જેટલી માંગણીઓ પૂરી નહીં કરે તો ગાંધીનગર ખાતે સરકારના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.