બનાસકાંઠાઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની બનાસકાંઠાની મુલાકાતને લઇને પાલનપુર પાલિકાએ ખાડા પૂરવાની શરૂઆત કરી છે. સી. આર. પાટીલના રૂટ પર પાલનપુર પાલિકા દ્વારા ખાડા પૂરી રસ્તોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 6 માસથી પાલનપુર શહેરના લોકો આ ખાડાઓથી પરેશાન છે. ખાડા પૂરવા માટે તેમજ રસ્તાનું સમારકામ કરવા પાલનપુર શહેરના લોકોએ વારંવાર પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરી છે, પરંતુ ભાજપ સાશિત પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ પ્રજાનું સાંભળ્યું જ નથી. હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પાલનપુરની મુલાકાતે આવવાના છે. ત્યારે બુધવારે ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાતના રૂટ પર રોડના ખાડા પૂરવાની શરૂઆત કરી છે.
આ ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જો કે, પાલિકાની આ કામગીરી સામે લોકોના અનેક સવાલો છે. લોકો ટેક્સ ચૂકવે છે, પરંતુ તેમને પૂરતી સગવડ મળતી નથી. જયારે નેતાઓ આવતા હોય ત્યારે રાતોરાત રોડ બનાવી દેવામાં આવે છે. પ્રજાનું ન સાંભળી અને ભાજપના નેતા જે પાલનપુર આવવાના છે, તેમને સારું દેખાડવા માટે પાલનપુર પાલિકા ખાડા પૂરી રહી છે. પાલનપુર પાલિકા નીતિ સામે લોકોમાં પણ આક્રોશ છે.
છેલ્લા ઘણા સમયથી પાલનપુરના અનેક વિસ્તારોમાં રોડ ખખડધજ જોવા મળી રહ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા પાલનપુર નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી એક પણ રોડનું સમારકામ કરવામાં આવેલ હતો. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાસકાંઠાના મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે પાલનપુર નગરપાલિકા દ્વારા તમામ રોડનું સમારકામ શરૂ કરી દેતાં હાલ લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે.