સદીઓથી લોકો સોનામાં રોકાણ કરતાં આવ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવોમાં થઈ રહેલા સતત વધારાથી પ્રથમવાર 40 હજારને પાર પહોંચી ગયો છે. જેની અસર બજારમાં વર્તાઈ રહી છે. વૈશ્વિક બજારમાં સોનાની માગ વધતા પુરવઠામાં ઘટાડો નોંધાયો છે, જેથી સોનાના વેપારીઓ પણ ચિંતિત થઈ ઉઠ્યા છે. સોનાના ભાવમાં થયેલા વધારા અંગે ડીસાના વેપારીઓ જણાવી રહ્યા છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે બેન્કોમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારમે લોકો હવે સોનામાં રોકાણ કરવા લાગ્યા હોવાથી સોનાની માંગ વધતાં સોનાના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય લેવલે સોના-ચાંદીના ભાવોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ગ્રાહકો પર પણ જોવા મળી રહી છે. એક તરફ બજારોમાં ભયંકર મંદી છે અને બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના તમામ ઉદ્યોગો ઓછા ચાલતા હોવાના કારણે સોના ચાંદી ખરીદી પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે હવે સોનુ ખરીદનાર ગ્રાહકોની માગ છે કે, જો સોના ચાંદીના ભાવ ઓછા થશે તો જ ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.
સોના ચાંદીનો વેપાર કરતાં વેપારીઓનું માનવું છે કે, આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માગ હજુ પણ હોવાના લીધે સોનાના ભાવો હજુ પણ ઊંચા જવાની શક્યતા જોવા મળી રહી છે. જેની સીધી અસર ઘરેલુ બજાર પર પડશે.