બનાસકાંઠાઃ લોકડાઉનના કારણે બનાસકાંઠા સહિત ગુજરાતી તમામ ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કથળી ગઇ છે. કારણ કે અત્યાર સુધી પશુઓ માટે આવતુ દાન લોકડાઉનના સમયમાં માનવસેવા તરફ ડ્રાઇવર્ટ થયું હતું અને મોટાભાગના ધંધા-રોજગાર બંધ હાલતમાં હોવાથી દાનવીરોનું દાન ગૌશાળામાં આવતું ઘટી ગયું હતું.
એક તરફ કપરો ઉનાળો અને બીજી તરફ દાન ઘટતા પાંજરાપોળ સંચાલકોની હાલત કફોડી બની છે. તે સમયે રજૂઆત કરતા સરકારે બે મહિના સુધી પાંજરાપોળ અને ગૌશાળામાં પશુઓને સહાય કરી હતી. પરંતુ તેમ છતાં પણ હજુ સુધી પાંજરાપોળની સ્થિતિ થાળે પડી નથી. જેથી ત્યારબાદ પણ સહાય ચાલુ રાખવા માટે સંચાલકોએ અનેકવાર સરકારને રજૂઆત કરી હતી, તેમ છતા સરકારે હજુ સુધી પાંજરાપોળ સંચાલકોની વાતને ધ્યાને લીધી નથી.
રવિવારના રોજ બનાસકાંઠામાં જિલ્લા ખાતે 100 જેટલા પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે ગણેશ ચતુર્થી સુધી જો સરકાર તેઓની વાત નહીં સાંભળે તો તમામ પશુઓ સરકારી કચેરીઓ અને રોડ પર છોડી દેવાની ચિમકી ઉચ્ચારી છે.