પાલનપુરઃ રાજ્યમાં સૌથી વધુ 154 ગૌશાળા અને પાંજરાપોળ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. જેમાં 70 હજારથી પણ વધુ પશુઓ નિર્વાહ કરે છે કોરોના મહામારી બાદ ગૌશાળા અને પાંજરાપોળમાં આવતી દાનની આવક ઘટી છે અને તેના કારણે ગૌશાળાનું સંચાલન કરવું અઘરું બન્યું છે.પરંતુ સરકાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની માગને ગંભીરતાથી નથી લેતી. અગાઉ પણ સી.આર.પાટીલના કાર્યક્રમ પહેલાં તો શાળાના સંચાલકોએ સરકાર વિરોધી બેનરો લગાડી સરકારને અવાજ પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પણ પરિણામ મળ્યું નથી. ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો આજે ધરણા પર બેઠાં છે અને તેમની માગણી છે કે સરકાર કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં અબોલ જીવોને સહાય કરે અને તેમની મુશ્કેલી દૂર કરે.
બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા છેલ્લાં ઘણાં સમયથી સરકાર પાસે ગાયોનો નિર્વાહ ચલાવવા માટે સહાયની માગણી કરવામાં આવી છે. કોરોનાવાયરસની મહામારી બાદ બહારથી આવતું દાન પણ હાલમાં બંધ થઈ જવા પામ્યું છે. જેના કારણે 70 હજારથી પણ વધુ ગૌશાળામાં ગાયો નભાવવી મુશ્કેલ બની છે. પહેલાં જ્યારે તમામ પ્રકારનો ઘાસચારો પૂરો હતો ત્યારે ગાયોનો મૃત્યુઆંક ચારથી પાંચ હતો પરંતુ હાલમાં જે રીતે ઘાસચારાની અછત પડી રહી છે તેના કારણે હાલમાં રોજની 25થી પણ વધુ ગાયો મૃત્યુ પામી રહી છે.
સરકાર તાત્કાલિક ધોરણે ગૌશાળા અને પાંજરાપોળમાં સહાયની ચૂકવણી કરે તેવી માગ સાથે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક પ્રકારના આંદોલનોનો કરવામાં આવ્યાં છે. એકતરફ ગુજરાત સરકાર ગાયોની સરકારના નામે વોટ મેળવી રહી છે પરંતુ છેલ્લાં ઘણા સમયથી ગાયોની હાલત છે પ્રમાણે છે તે જોંતા સરકારે તાત્કાલિક સહાયની ચૂકવણી કરવી જોઈએ. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના તમામ ગૌશાળાના સંચાલકો બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી આગળ ધરણા યોજ્યાં હતાં અને સરકાર તાત્કાલિક ધોરણે ગાયો દીઠ 25 રૂપિયાની સહાયની ચૂકવણી કરે તેવી માગ કરી હતી.