બનાસકાંઠાઃ કોરોના વાઇરસ વચ્ચે સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. એક તરફ કોરોનાના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનને પગલે સરકારની આર્થિક પરિસ્થિતી નબળી બની છે, તો બીજી તરફ હવે વિવિધ સંસ્થાઓ સહાયના નામે સરકાર પર દબાણ બનાવી રહી છે.
શુક્રવારે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ એકત્રિત થઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકના આયોજન પાછળનો હેતુ જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુઓના નિભાવ માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
- કોરોના વાઇરસ વચ્ચે સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી
- લોકડાઉનને પગલે લોકોની આર્થિક પરિસ્થિતી નબળી બની
- બનાસકાંઠા પાંજરાપોળના સંચાલકોએ બેઠકનું આયોજન કર્યું
- બેઠકનો હેતુ- જિલ્લામાં પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુઓના નિભાવ માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે
આ રાહત પેકેજ અંગે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા બેથી ત્રણ વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા હજૂ સુધી સહાયની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે શુક્રવારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મળેલી બેઠકમાં આગામી 5 દિવસમાં સરકાર દ્વારા પશુ સહાય ચૂકવવા માટેની માગ કરવામાં આવી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની આ બેઠકમાં શુક્રવારે જિલ્લાના સંતો પણ જોડાયા હતા. જિલ્લાના સંતોએ પણ ગૌવંશને બચાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.