નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે, તેવી માં અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવશે નહિં. હાલ કોરોના મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમી શકાશે નહીં.
આગામી તારીખ 17 ઓકટોમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે, પણ મંદિર ચાલુ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. 17 ઓકટોબરના નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટસ્થાપના પણ કરાશે.
નવરાત્રી દરમ્યાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાશે. જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમ અને 17 ઓકટોબરને શનિવારના સવારે 8.15 કલાકે શરુ કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 8.00 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
- સવારે આરતી—7.30 થી 8.00
- સવારે દર્શન – 8.00 થી 11.30
- બપોરે દર્શન- 12.30 થી 4.15
- સાંજે આરતી- 6.30 થી 7.00
- જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે.
હાલમાં કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ યોજાશે નહી અને મંદિરમાં આરતીના દર્શનનો લાભ યાત્રીકોને મળશે નહિ.